News of Tuesday, 3rd February 2026
સિંધુ જળ વિવાદ: પાકિસ્તાન ગયું આંતરરાષ્ટ્રીય કોર્ટ, ભારતે પરખાવ્યું- "તમે કોણ? અમે આ કોર્ટને ઓળખતા જ નથી!"
આતંકવાદ અને પાણી સાથે નહીં ચાલે: ભારતે હેગની મધ્યસ્થી અદાલતના અધિકારક્ષેત્રને ફગાવ્યું, દસ્તાવેજો આપવાનો કર્યો સ્પષ્ટ ઈન્કાર

હેગ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન આ મામલે નેધરલેન્ડ્સના હેગ સ્થિત મધ્યસ્થી અદાલત (Court of Arbitration) માં પહોંચ્યું હતું, પરંતુ ભારતે આ કોર્ટના અસ્તિત્વને જ કાયદાકીય રીતે માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે કોર્ટના ન્યાયાધીશે ભારત પાસે જમ્મુ-કાશ્મીરના પ્રોજેક્ટ્સના ડેટા માંગ્યા, ત્યારે ભારતે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કર્યું કે તે આ કોર્ટના કોઈ પણ આદેશને માનવા બંધાયેલું નથી.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. આ મામલે 2-3 ફેબ્રુઆરીએ હેગમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતે આ સુનાવણીનો બહિષ્કાર કરતા જણાવ્યું કે, સિંધુ જળ સંધિ હેઠળ કોઈ પણ વિવાદ ઉકેલવા માટે 'તટસ્થ નિષ્ણાત' (Neutral Expert) ની નિમણૂક થવી જોઈએ, નહીં કે આવી કોઈ મધ્યસ્થી અદાલતની. ભારત આ કોર્ટના આદેશોને 'ગેરકાયદેસર અને રદબાતલ' માને છે.
આતંકવાદનો વળતો જવાબ:
ભારતનું આ આક્રમક વલણ એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકવાદી હુમલા પછી આવ્યું છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, "લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં." જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી ભારત પાણીની વહેંચણી અંગે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ સ્વીકારશે નહીં.
1960ની સંધિ હવે જોખમમાં?
વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલી 1960ની આ સંધિ મુજબ, પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) પર ભારતનો અને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) પર પાકિસ્તાનનો અધિકાર છે. જોકે, ભારતને પશ્ચિમી નદીઓ પર વીજળી પ્રોજેક્ટ્સ બનાવવાની મર્યાદિત છૂટ છે. ભારત હવે આ સંધિની શરતો પર પુનર્વિચાર કરી રહ્યું છે, જેનાથી પાકિસ્તાનમાં પાણીની ભારે તંગી સર્જાય તેવી ભીતિ છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
