<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

અમેરિકામાં શટડાઉનનું સંકટ ટળ્યું: ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે ફંડિંગ મુદ્દે સમજૂતી, પણ ઇમિગ્રેશન પર ખેંચતાણ યથાવત

બે સપ્તાહ માટે કામચલાઉ રાહત: ઇમિગ્રેશન એજન્ટોની સત્તા પર અંકુશ મૂકવા ડેમોક્રેટ્સની મક્કમ માંગ

વોશિંગ્ટન: અમેરિકામાં ફેડરલ સરકારના કામકાજ ઠપ્પ થવાનું (શટડાઉન) જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિરોધી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ વચ્ચે સરકારી ખર્ચના પેકેજ પર સહમતી સધાઈ છે. જોકે, આ સમજૂતીમાં ઇમિગ્રેશન જેવા વિવાદાસ્પદ મુદ્દાને હાલ પૂરતો અલગ રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે સોદો થઈ ગયો છે, પરંતુ હજુ પણ 'કંઈ પણ થઈ શકે છે' તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી.

શા માટે સર્જાયું હતું સંકટ?

તાજેતરમાં મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એજન્ટો દ્વારા એક યુએસ નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ડેમોક્રેટ્સે માંગ કરી છે કે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) ના એજન્ટો પર કડક નિયંત્રણો મૂકવામાં આવે. આ વિવાદને કારણે સરકારી એજન્સીઓનું ફંડિંગ અટકી પડ્યું હતું, જે શુક્રવારે મધ્યરાત્રિએ સમાપ્ત થવાનું હતું.

 

સમજૂતીનો મુખ્ય મુદ્દો:

નવી સમજૂતી મુજબ, સરકારી એજન્સીઓ (જેમ કે પેન્ટાગોન અને આરોગ્ય વિભાગ) નું ફંડિંગ ચાલુ રાખવા માટે બિલ પસાર કરવામાં આવશે. જ્યારે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) નું ફંડિંગ માત્ર બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષો ઇમિગ્રેશન એજન્ટો માટે નવા નિયમો, જેમ કે:

  • બોડી કેમેરા પહેરવા ફરજિયાત કરવા.
  • ફેસ માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂકવો.
  • પેટ્રોલિંગની પદ્ધતિમાં ફેરફાર કરવો.

વગેરે મુદ્દાઓ પર વાટાઘાટો ચાલુ રાખશે.

શુક્રવારની મધ્યરાત્રિ સુધીની સમયમર્યાદા:

ગૃહના સ્પીકર માઈક જોહ્ન્સને સંકેત આપ્યો છે કે રજા પર ગયેલા સભ્યોને તાત્કાલિક પાછા બોલાવવા મુશ્કેલ છે, તેથી ટેકનિકલી રીતે સપ્તાહના અંતે સરકારનો કેટલોક ભાગ બંધ રહી શકે છે. જોકે, સેનેટ શુક્રવારે આ કામ પૂર્ણ કરવા માટે આશાવાદી છે. અમેરિકન જનતાની નજર હવે ઇમિગ્રેશન વાટાઘાટોના પરિણામ પર છે.

(7:13 PM IST)