<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ક્રિકેટના મેદાનમાં 'કોલ્ડ વોર': કપિલ દેવની પાકિસ્તાનને ગંભીર ચેતવણી

વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો ઈનકાર કરીને પાકિસ્તાન પોતાની આખી પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યું છે : વૈશ્વિક ક્રિકેટમાં એકલું પડી જશે તેવી કપિલ પાજીની આકરી ટકોર

નવી દિલ્હી:  ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રમત કરતા લાગણી અને હાઈ-વોલ્ટેજ ડ્રામા વધુ હોય છે. આગામી ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મહાજંગ પહેલા જ પાકિસ્તાન સરકારે મેચનો બહિષ્કાર કરવાનો જે નિર્ણય લીધો છે, તેણે ખેલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે ભારતના દિગ્ગજ કેપ્ટન કપિલ દેવે મૌન તોડતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ત્યાંના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે. કપિલ દેવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રમતને રાજકારણની ભેટ ચડાવીને પાકિસ્તાન કોઈ બીજાનું નહીં પણ પોતાના જ દેશના યુવા ખેલાડીઓનું નુકસાન કરી રહ્યું છે.

કપિલ દેવના મતે, આ પ્રકારના એકતરફી નિર્ણયોથી પાકિસ્તાનની એક આખી પેઢી બરબાદ થઈ જશે. તેમણે ભાર મૂક્યો હતો કે જો ખેલાડીઓ પોતે રમવા માંગતા ન હોય તો વાત અલગ છે, પરંતુ જ્યારે બોર્ડ અથવા સરકાર આવા નિર્ણયો થોપે છે ત્યારે તે રમતની ભાવના અને દેશની આંતરરાષ્ટ્રીય છબીને કાયમી નુકસાન પહોંચાડે છે. કપિલ દેવે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન આ જ રીતે વૈશ્વિક મંચ પરથી પીછેહઠ કરતું રહેશે, તો ભવિષ્યમાં કોઈ દેશ તેમની સાથે રમવા તૈયાર નહીં થાય અને પાકિસ્તાની ક્રિકેટ જગતથી સાવ અલિપ્ત થઈ જશે.

બીજી તરફ, આ બહિષ્કારના નિર્ણયથી ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ભારે દબાણમાં છે. ભારત-પાકિસ્તાન મેચ એ કોઈપણ ટુર્નામેન્ટ માટે કમાણીનું મુખ્ય સાધન હોય છે અને કરોડો દર્શકો આ મેચની રાહ જોતા હોય છે. બાંગ્લાદેશની મધ્યસ્થતાની માંગ ફગાવી દીધા બાદ હવે પાકિસ્તાનનું આ અડિયલ વલણ ક્રિકેટના આર્થિક માળખાને પણ અસર કરી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે ICC આ વિવાદને થાળે પાડવા માટે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી આ વર્લ્ડ કપ ઈતિહાસમાં એક વિવાદિત પ્રકરણ તરીકે નોંધાઈ જશે.

(7:31 PM IST)