<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

દિલ્હીમાં રહસ્યમય રીતે લોકો ગુમ : ૨૭ દિવસમાં ૮૦૭ ગાયબ : રાજધાનીમાં ખૌફનો માહોલ

નવા વર્ષના પહેલા જ મહિનામાં દરરોજ સરેરાશ ૨૭ લોકો લાપતા: ૧૩૭ માસૂમ બાળકોનો હજુ સુધી કોઈ પત્તો નથી : કિશોરીઓના ગુમ થવાના વધતા આંકડાએ સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી:  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વર્ષ ૨૦૨૬ની શરૂઆત જ ભયાનક આંકડાઓ સાથે થઈ છે. વર્ષના પહેલા ૨૭ દિવસમાં જ ૮૦૭ લોકો ગુમ થયાના અહેવાલે દિલ્હી પોલીસ અને વાલીઓની ઊંઘ હરામ કરી દીધી છે. દિલ્હી પોલીસના સત્તાવાર ડેટા અનુસાર, ગુમ થયેલા આ લોકોમાં ૧૩૭ જેટલા નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે, જેમના વિશે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ તે પરિવારોની પીડા છે જેમના સ્વજનો રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે દરરોજ સરેરાશ ૨૭ લોકો લાપતા થઈ રહ્યા છે, જેમાંથી પોલીસ માત્ર ૯ લોકોને જ શોધી કાઢવામાં સફળ રહી છે.

ગુમ થયેલા લોકોના વિશ્લેષણમાં સૌથી વધુ ચિંતાજનક બાબત ૧૨ થી ૧૮ વર્ષની વયની કિશોરીઓની છે. પહેલા ૨૭ દિવસમાં ૧૬૯ બાળકો ગુમ થયા, જેમાંથી ૧૨૧ હજુ પણ અજાણ છે, જેમાં છોકરીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. પોલીસ ડેટાબેઝ 'ઝિપનેટ'ના આંકડા દર્શાવે છે કે આ માત્ર સામાન્ય ગુમશુદગી નથી, પરંતુ આ પાછળ અપહરણ અથવા માનવ તસ્કરી જેવી મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ હોવાની આશંકા નકારી શકાય તેમ નથી. ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારોમાંથી બાળકો અને મહિલાઓના ગાયબ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે દિલ્હીની આંતરિક સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.

જો છેલ્લા ૧૧ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ચિત્ર વધુ ભયાનક લાગે છે. ૨૦૧૬ થી ૨૦૨૬ વચ્ચે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૦,૬૯૪ બાળકો ગુમ થયા, જેમાંથી અંદાજે ૧૧ ટકા એટલે કે ૬,૯૩૧ બાળકો ક્યાં ગયા તેની જાણકારી સરકાર કે પોલીસ પાસે નથી. વર્ષો બદલાય છે, પરંતુ દર વર્ષે હજારો બાળકો 'અજાણ' રહી જાય છે, જેઓ કદાચ ક્યારેય પાછા ફરતા નથી. સવાલ એ ઊભો થાય છે કે શું રાજધાનીમાં કોઈ મોટું નેટવર્ક સક્રિય છે જે આ માસૂમોને નિશાન બનાવી રહ્યું છે? દિલ્હીવાસીઓ હવે આ મામલે કડક પોલીસ કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે.

(7:39 PM IST)