News of Tuesday, 3rd February 2026
ઓસ્ટ્રેલિયામાં બાપુની પ્રતિમાની ચોરી: મેલબોર્નમાં એંગલ ગ્રાઇન્ડરથી કાંસ્ય મૂર્તિ કાપી ગયા તસ્કરો
ભારત સરકાર લાલઘૂમ: વિદેશ મંત્રાલયે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ પાસે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની કરી માંગ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી મહાત્મા ગાંધીની એક ભવ્ય કાંસ્ય પ્રતિમાની ચોરી થતાં ભારતીય સમુદાયમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે. રોવિલે સ્થિત 'ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર' ખાતે સ્થાપિત આ પ્રતિમાને અજાણ્યા તસ્કરોએ એંગલ ગ્રાઇન્ડર (ઇલેક્ટ્રિક કટર) વડે કાપીને ચોરી કરી લીધી છે. આ ઘટનાને પગલે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે આકરો વિરોધ નોંધાવ્યો છે.
ભારતની કડક પ્રતિક્રિયા:
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાની "સખત નિંદા" કરી છે. તેમણે જણાવ્યું કે, ભારતે સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ગુમ થયેલી પ્રતિમાને જલ્દી શોધી કાઢવા તેમજ દોષિતોને પકડવા માટે દબાણ કર્યું છે. આ ઘટના માત્ર ચોરી નથી પરંતુ એક મહાન વૈશ્વિક નેતાના અપમાન સમાન ગણવામાં આવી રહી છે.
પ્રતિમાનું ઐતિહાસિક મહત્વ:
આ પ્રતિમા ભારત સરકારની સંસ્થા 'ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ' (ICCR) દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય માટે આ પ્રતિમા સાંસ્કૃતિક અને આસ્થાનું પ્રતિક હતી.
પોલીસ તપાસ ચાલુ:
વિક્ટોરિયા પોલીસના મતે, ત્રણ અજાણ્યા ગુનેગારોએ રાત્રિના સમયે આ કીમતી પ્રતિમાની ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજ અને એંગલ ગ્રાઇન્ડરના નિશાનના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. સ્થાનિક નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર ધાતુની ચોરીનો મામલો છે કે પછી કોઈ નફરત ફેલાવવાનું ષડયંત્ર, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
