News of Tuesday, 3rd February 2026
ભારત-યુએસ ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીનો ધડાકો: "અમેરિકાના પ્રેશર હેઠળ પીએમ મોદીએ દેશના હિતો વેચી દીધા"
અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સનો ડર બતાવી વડાપ્રધાન પાસે ડીલ કરાવાઈ હોવાનો રાહુલનો ગંભીર આક્ષેપ

નવી દિલ્હી:સંસદના બજેટ સત્રમાં આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર ગંભીર સવાલો ઉઠાવ્યા. સંસદની કાર્યવાહી સ્થગિત થયા બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે દાવો કર્યો કે વડાપ્રધાન અત્યારે ભારે દબાણ હેઠળ છે અને તેમણે ખેડૂતો તેમજ દેશના હિતો સાથે સમાધાન કરીને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ લાવવા પાછળ બે મુખ્ય કારણો ગણાવ્યા:
1. અદાણી કેસ: અમેરિકામાં ગૌતમ અદાણી પર ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે આ માત્ર અદાણી પર નહીં, પણ મોદીના નાણાકીય માળખા પરનો હુમલો છે.
2. એપસ્ટિન ફાઈલ્સ: તેમણે દાવો કર્યો કે 'એપસ્ટિન ફાઈલ્સ'માં હજુ ઘણી વિગતો જાહેર થવાની બાકી છે અને અમેરિકાએ હજુ તે બહાર પાડી નથી. રાહુલે આક્ષેપ કર્યો કે આ બાબતોને લઈને PM મોદીને 'કોમ્પ્રોમાઈઝ' (સમાધાન) કરવા મજબૂર કરાયા છે.
ડોકલામ અને સંસદમાં હોબાળો: સંસદની અંદર રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના પુસ્તકને ટાંકીને ડોકલામ અને ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારે 'અપ્રકાશિત પુસ્તક'ના આધારે વાતો કરવા સામે વાંધો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલને ગૃહને ગેરમાર્ગે દોરતા રોકવા સ્પીકરને અપીલ કરી હતી.
સરકારનો પક્ષ: બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પત્રકાર પરિષદ યોજીને આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે આ ડીલથી ભારતીય ખેડૂતો અને નાના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (કર) 25% થી ઘટાડીને 18% કર્યા છે, જે ભારત માટે જીત સમાન છે. ભાજપે રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
