<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સોનામાં ‘સુનામી’: શું આગામી 75 દિવસમાં ભાવ ₹3.35 લાખને પાર જશે? : રોકાણકારોમાં ભારે ઉતેજના

વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ વચ્ચે JPMorgan ની મોટી આગાહી: મધ્યસ્થ બેંકો દ્વારા 800 ટન સોનાની ખરીદીના સંકેત: AI મોડેલે તો સોનાના ભાવમાં બૂલેટ ટ્રેન જેવી ગતિની કરી દીધી ભવિષ્યવાણી

અમદાવાદ:  સોનાના બજારમાં અત્યારે એવી હલચલ મચી છે કે દિગ્ગજ બ્રોકરેજ હાઉસ પણ આશ્ચર્યચકિત છે. તાજેતરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનામાં 5% થી 10% સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ વોલેટિલિટી વચ્ચે નિષ્ણાતો હવે સોનામાં 'મહા-તેજી' ના સંકેત જોઈ રહ્યા છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ JPMorgan એ દાવો કર્યો છે કે 2026 ના અંત સુધીમાં સોનું $6,300 પ્રતિ ઔંસ એટલે કે ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામ ₹2 લાખની સપાટી વટાવી શકે છે. મધ્યસ્થ બેંકો દ્વારા થઈ રહેલી 800 ટન સોનાની આક્રમક ખરીદી આ તેજીના બળતણ તરીકે કામ કરી રહી છે.

સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મોડેલની આગાહી છે. આ આધુનિક મોડેલ સૂચવે છે કે એપ્રિલ 2026 સુધીમાં સોનાનો ભાવ $10,000 ને વટાવી જશે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ₹3,35,000 પ્રતિ 10 ગ્રામ જેટલો થાય છે. જોકે આ આગાહી સામાન્ય રોકાણકારો માટે માન્યામાં ન આવે તેવી છે, પરંતુ ડોઇશ બેંક જેવી સંસ્થાઓ પણ સોનું $6,000 ને પાર જવાની પુષ્ટિ કરી રહી છે. 30 જાન્યુઆરીએ આવેલો 9.8% નો ઐતિહાસિક ઘટાડો હવે રોકાણકારો માટે ખરીદીની શ્રેષ્ઠ તક સાબિત થઈ રહ્યો હોય તેવું લાગે છે, કારણ કે 3 ફેબ્રુઆરીએ કિંમતો ફરી 6% થી વધુ ઉછળી છે.

બજારના વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે વિશ્વભરમાં કરન્સી એટલે કે કાગળના નાણાંની કિંમતોમાં અસ્થિરતા આવે છે, ત્યારે 'ગોલ્ડ' હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે ઉભરી આવે છે. અત્યારે સોનું $4,900 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે એ દર્શાવે છે કે નીચેના મથાળેથી મજબૂત ખરીદી નીકળી છે. શું ખરેખર સોનું આ સ્તરે પહોંચશે કે કેમ તે તો સમય જ બતાવશે, પરંતુ અત્યારે તો સોનું ખરીદનારાઓ અને રોકાણકારો બંનેની નજર આંતરરાષ્ટ્રીય બજારના દરેક ડૉલર પર ટકેલી છે.

(10:21 PM IST)