<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

બુલેટ ટ્રેન હવે અમદાવાદથી પુણે ત્રણ કલાકમાં અને હૈદરાબાદ છ કલાકમાં પહોંચાડશે

ગુજરાતમાં ૧૫ ઓગસ્‍ટ, ૨૦૨૭થી બુલેટ ટ્રેન દોડશે

મુંબઈ તા.૪: બજેટમાં કરાયેલી હાઈ સ્‍પીડ રેલ કોરિડોર અંગેની જાહેરાતથી અમદાવાદ અને પુણે અને હૈદરાબાદ વચ્‍ચેની કનેક્‍ટિવિટી વધશે અને સાથે થકવી નાખતી કલાકોની મુસાફરીને બદલે ગણતરીની કલાકોમાં પ્રવાસીઓ આ બે શહેરો સાથે જોડાશે.

સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફેસ-વનના એક્‍સટેન્‍શનનો પ્રસ્‍તાવ મૂક્‍યો હતો, જે અનુસાર અમદાવાદથી પુણે ત્રણ કલાકમાં અને અમદાવાદથી હૈદરાબાદ છ કલાકમાં પહોંચી શકાશે.

કેન્‍દ્રીય રેલ્‍વે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે મુંબઈ અને પુણે વચ્‍ચેની મુસાફરી ઘટીને માત્ર ૪૮ મિનિટ થશે, જ્‍યારે પુણે-હૈદરાબાદ લગભગ ૧ કલાક અને ૫૫ મિનિટનો સમય લાગશે, જેનાથી એક જ દિવસે ઇન્‍ટરસિટી મુસાફરી બિઝનેસ ટ્રાવેલર્સ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને વિકલ્‍પ મળશે.

વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા મીડિયાને સંબોધતા, વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે નિર્માણાધીન અમદાવાદ-મુંબઈ હાઇ-સ્‍પીડ રેલ કોરિડોરને પુણે અને હૈદરાબાદ સુધી લંબાવવામાં આવશે, જેમાં બેંગલુરુ અને ચેન્નાઈ સાથેની કનેક્‍ટિવિટીની પણ યોજના છે.

આ અનુસાર અમદાવાદના મુસાફરો અન્‍ય ચાર શહેર સાથે સીધી રીતે જોડાઈ જશે.

કેન્‍દ્રીય બજેટમાં ૪૦૦૦ કિમી બુલેટ ટ્રેનના રૂટનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો છે.

(10:33 AM IST)