<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગ્રીસમાં નોકરીની સુવર્ણ તક: ભારત સહિત એશિયાઈ દેશોના કામદારો માટે ખુલશે દ્વાર

શ્રમની અછતને પહોંચી વળવા ગ્રીસ સરકાર લાવી રહી છે નવો કાયદો; પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે હજારો નવી ભરતીઓ થશે

એથેન્સ: તા.૩: યુરોપના સુંદર દેશ ગ્રીસમાં રોજગારીની શોધમાં રહેલા ભારતીય યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રીસ સરકાર પોતાની અર્થવ્યવસ્થાના મુખ્ય સ્તંભો એવા પ્રવાસન, બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં શ્રમિકોની ભારે અછતને પહોંચી વળવા માટે એક નવો કાયદો પસાર કરવા જઈ રહી છે. આ કાયદા હેઠળ ભારત, બાંગ્લાદેશ અને ઇજિપ્ત જેવા દેશોમાંથી હજારો કુશળ અને અર્ધ-કુશળ કામદારોની કાયદેસર રીતે ભરતી કરવામાં આવશે.
ઝડપી ભરતી અને દ્વિપક્ષીય કરાર
ગ્રીસની શાસક 'ન્યૂ ડેમોક્રેસી પાર્ટી' આ બિલ દ્વારા ભરતી પ્રક્રિયાને વધુ સરળ અને વેગવંતી બનાવવા માંગે છે. છેલ્લા બે વર્ષમાં અહીં 80,000 થી વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ઉદ્યોગ જગતના મતે વાસ્તવિક જરૂરિયાત આના કરતા બમણી છે. ખાસ કરીને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે હવે વિદેશી કામદારોને લાવવા નોકરીદાતાઓ માટે વધુ સરળ બનશે.
ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ માટે લાલ આંખ
એક તરફ જ્યાં કાયદેસર કામદારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે, બીજી તરફ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરનારાઓ સામે ગ્રીસ સરકારે કડક વલણ અપનાવ્યું છે. સ્થળાંતર પ્રધાન થાનોસ પ્લેવ્રિસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, "અમને કામદારોની જરૂર છે, પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન ચલાવી લેવાશે નહીં."
નવા કાયદા મુજબ:
•    ગેરકાયદેસર રીતે પકડાયેલા લોકોને 2 થી 5 વર્ષની જેલ થઈ શકે છે.
•    જેલમાં સજા કાપ્યા બાદ તેમને તાત્કાલિક સ્વદેશ પરત મોકલી દેવાશે.
•    ગેરકાયદેસર રીતે રહેતા લોકોને કાયદેસર બનાવવાની કોઈ તક આપવામાં આવશે નહીં.
વિવાદ અને ટીકા
જોકે, આ કાયદા સામે વિપક્ષ અને માનવ અધિકાર જૂથોએ સવાલો ઉઠાવ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે આ બિલ માનવતાવાદી સંસ્થાઓના કામને મુશ્કેલ બનાવશે અને ગેરકાયદેસર પ્રવેશ માટે કડક સજા આંતરરાષ્ટ્રીય શરણાર્થી સંમેલનોના નિયમોની વિરુદ્ધ હોઈ શકે છે. તેમ છતાં, સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે અને આર્થિક વિકાસ માટે એશિયન દેશોના શ્રમિકો પર દાવ ખેલવા તૈયાર છે.

(3:23 PM IST)