<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સોખડામા નવી એનીમલ હોસ્‍ટેલ બનશે

આઠ મહિનામાં ૧૯૦૩ શ્વાનોનું વ્‍યંધીકરણ કરાયું: માધાપર ખાતે ડોગ સેન્‍ટરમાં શ્વાન રાખવાની ક્ષમતા વધારવા માટે વિસ્‍તૃતીકરણ

રાજકોટઃ રહેવાલાયક શહેરની જીવન ગુણવત્તાના માપદંડોમાં જાહેર જનતાની જાહેર સુરક્ષા તેમજ શહેરની જાહેર સ્‍વચ્‍છતા અગ્ર સ્‍થાને રહે છે. જાહેર માર્ગો પર વાહનોને કારણે કે પછી નધણિયાતા રખડતા પશુઓના કારણે લોકોને ટ્રાફિક અડચણ, અકસ્‍માત અને ગંદકી જેવા પ્રશ્નો જેવી સ્‍થિતિ નિવારવા યોગ્‍ય, તાર્કિક અને વ્‍યાજબી ઉકેલ લાવવા રાજકોટ મહાનગરપાલિકાએ શ્રેણીબધ્‍ધ પગલાં લીધેલ છે. આ ઉપરાંત રાજકોટમાં શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ લાવવા માટે કાયદાકીય જોગવાઇ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્‍યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ તથા આક્રમક કરડતાં શ્વાનને ડોગ ફ્રેન્‍ડલી સેન્‍ટર ખાતે ઓબ્‍ઝર્વેશનમાં રાખી, શ્વાનને ફ્રેન્‍ડલી કરીને મુળ જગ્‍યાએ પરત મુકવાની કામગીરી કરી પ્રશ્નને આયોજન બધ્‍ધ રીતે ઉકેલવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ જરૂરી પગલાં લીધેલ છે.

એનિમલ હોસ્‍ટેલ

 મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા પાંચ સ્‍થળોએ એનિમલ હોસ્‍ટેલ કાર્યરત છે. ઉક્‍ત એનિમલ હોસ્‍ટેલમાં હાલ ૨૪૨ પશુપાલકો દ્વારા કુલ ૨૬૦૫ પશુઓને રાખવામાં આવેલ છે.

શ્વાન વ્‍યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણ

શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે કાયદાકીય જોગવાઇ અનુસાર શ્વાન વ્‍યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણ એ જ મુખ્‍યત્‍વે શ્વાનોનાં પ્રશ્નોનું નિરાકરણ હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે (એપ્રિલ-૨૫ થી નવેમ્‍બર-૨૫ સુધીમાં) ૧૯૦૩ શ્વાનોને વ્‍યંધિકરણ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે તથા અગાઉ શ્વાન વ્‍યંધિકરણમાં આવરેલ શ્વાનને ફરીથી હડકવા વિરોધી રસીકરણ કરવાની કામગીરી અંતર્ગત ૫૦૬૫ શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવેલ છે. તદુપરાંત અવાર-નવાર કરડતાં ૧૦૪ શ્વાનોને ડોગ ફ્રેન્‍ડલી સેન્‍ટર ખાતે રાખી ફ્રેન્‍ડલી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૮ થી ઝુંબેશરૂપે આ કામગીરી દ્વારા લગભગ ૯૦ ટકા જેટલા શ્વાનોને વ્‍યંધિકરણ કરેલ છે.

નવી એનિમલ હોસ્‍ટેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ ૦૧ (એક) જગ્‍યાએ સોખડા ખાતે નવી એનિમલ હોસ્‍ટેલ બનાવવા માટે જગ્‍યા ફાળવવામાં આવેલ છે. આ નવી એનિમલ હોસ્‍ટેલમાં અંદાજીત ૭૫૦ પશુઓનો સમાવેશ થઇ શકશે.

માધાપર ખાતે આવેલ ડોગ સેન્‍ટરનું વિસ્‍તળતિકરણ

શ્વાનોનાં પ્રશ્રોના ઝડપથી નિરાકરણ થાય તે હેતુથી માધાપર ખાતે આવેલ ડોગ સેન્‍ટરમાં શ્વાન રાખવાની ક્ષમતા વધારવા માટે હૈયાત શ્વાન વ્‍યંધિકરણ કેન્‍દ્રમાં શેડ સાથેની નવી ડોગ કેનાલ બનાવી વિસ્‍તળતિકરણ કરવામાં આવશે તેમજ આક્રમક/કરડતાં શ્વાનને રાખવા માટે ડોગ ફ્રેન્‍ડલી સેન્‍ટરનું વિસ્‍તળતિકરણ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં નામ. સુપ્રિમ કોર્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્‍ડીયા, ન્‍યુ દિલ્‍હીના નિર્દેશોનુસાર ડોગ શેલ્‍ટર બનાવવા માટે જગ્‍યાની માંગણી કરવામાં આવેલ છે. નવી જગ્‍યા મળ્‍યેથી ડોગ શેલ્‍ટર બનાવવામાં આવશે.

(3:31 PM IST)