<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સંસદના દ્વારે 'મહાભારત': રાહુલ ગાંધીએ બિટ્ટુને કહ્યા 'દેશદ્રોહી', સામે મળ્યો 'સડક કા ગુંડા'નો જવાબ

મકર દ્વાર પાસે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વચ્ચે આમને-સામને તીખી તકરાર; સંસદનું વાતાવરણ ગરમાયું

નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર દરમિયાન મંગળવારે આઠ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ બુધવારે સંસદ પરિસરમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. સંસદના મકર દ્વાર પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને ભાજપના નેતા તથા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે એવી શાબ્દિક ટક્કર થઈ કે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બંને નેતાઓ વચ્ચે 'દેશદ્રોહી' અને 'ગુંડા' જેવા શબ્દોના પ્રહારો થયા હતા.
તકરારની શરૂઆત કેવી રીતે થઈ?
રાહુલ ગાંધી અન્ય કોંગ્રેસી સાંસદો સાથે સસ્પેન્શનના વિરોધમાં બેઠા હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રવનીત બિટ્ટુએ કટાક્ષ કર્યો કે, "એવું લાગે છે કે આ લોકો કારગિલનું યુદ્ધ જીતીને આવ્યા છે." આ સાંભળીને રાહુલ ગાંધીએ બિટ્ટુ તરફ ઈશારો કરતા કહ્યું, "જુઓ, એક દેશદ્રોહી જઈ રહ્યો છે. ચહેરો જુઓ." રાહુલે હસીને હાથ મિલાવવાની ઓફર પણ કરી અને કહ્યું, "નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ન કરો, તમે જલ્દી જ કોંગ્રેસમાં પાછા આવશો."
બિટ્ટુનો વળતો પ્રહાર: "તમે શીખોના ખૂની છો"
રાહુલ ગાંધીની ટિપ્પણીથી લાલચોળ થયેલા રવનીત બિટ્ટુએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો અને રાહુલને 'દેશના દુશ્મન' ગણાવ્યા. બાદમાં મીડિયા સાથે વાત કરતા બિટ્ટુએ રાહુલ ગાંધીને 'સડક કા ગુંડા' કહી દીધા. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બિટ્ટુએ 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "જ્યાં સુધી હું કોંગ્રેસમાં હતો ત્યાં સુધી સારો હતો, પણ હવે હું ભાજપમાં છું એટલે તેમને ખરાબ લાગુ છું. હકીકતમાં રાહુલ ગાંધી આ દેશના સૌથી મોટા દેશદ્રોહી અને શીખોના ખૂની છે."
રાજકીય આક્ષેપબાજી તેજ
આ ઘટના બાદ દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પણ રાહુલ ગાંધીની ટીકા કરી છે અને એક શીખ મંત્રી માટે 'દેશદ્રોહી' શબ્દ વાપરવા બદલ સ્પીકર પાસે કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું છે કે ભાજપ વિપક્ષનો અવાજ દબાવવાનું કાવતરું કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે ગૃહમાં કાગળો ફેંકવા અને સ્પીકરની અવજ્ઞા કરવા બદલ કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)ના આઠ સાંસદોને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(5:57 PM IST)