<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

યુરોપનો અમેરિકાને 'ડિજિટલ ફટકો': ફ્રાન્સ-જર્મનીએ માઈક્રોસોફ્ટ અને ઝૂમને બાય-બાય કહ્યું!

"પહેલા સ્વતંત્રતા, પછી બચત": ડેટા સુરક્ષા માટે યુરોપિયન દેશોએ અમેરિકન સોફ્ટવેર પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: વર્ષોથી ટેકનોલોજીની દુનિયામાં અમેરિકાનો સિક્કો ચાલતો આવ્યો છે, પણ હવે ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા જેવા દેશોએ આ 'ડિજિટલ ગુલામી'માંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. યુરોપિયન દેશો હવે ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઓફિસ જેવા અમેરિકન ટૂલ્સને છોડીને પોતાના સ્વદેશી અને 'ઓપન સોર્સ' વિકલ્પો અપનાવી રહ્યા છે.
ફ્રાન્સમાં ૨૫ લાખ કર્મચારીઓ માટે નવો આદેશ
ફ્રાન્સ સરકારે સુરક્ષાના કારણોસર પોતાના સરકારી કર્મચારીઓને ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ વાપરવાની મનાઈ ફરમાવી દીધી છે. ૨૦૨૭ સુધીમાં ફ્રાન્સના ૨૫ લાખ સરકારી કર્મચારીઓ પોતાની સ્વદેશી સિસ્ટમ 'વિઝિયો' (Visio) નો ઉપયોગ કરતા થઈ જશે. ફ્રાન્સના સિવિલ સર્વિસ મંત્રી ડેવિડ એમિલે સ્પષ્ટ કહ્યું છે કે, "આપણી સંવેદનશીલ અને વ્યૂહાત્મક માહિતી અમેરિકન કંપનીઓના હાથમાં સુરક્ષિત નથી."
જર્મની અને ઓસ્ટ્રિયાનો અલગ રસ્તો
જર્મનીના શ્લેસ્વિગ-હોલ્સ્ટાઇન રાજ્યએ તો ડગલું આગળ વધીને ૪૪,૦૦૦ કર્મચારીઓને માઇક્રોસોફ્ટમાંથી ખસેડીને 'ઓપન સોર્સ' સિસ્ટમ પર લાવી દીધા છે. ત્યાં હવે વિન્ડોઝની જગ્યાએ 'Linux' વાપરવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, ઓસ્ટ્રિયાની સેનાએ માઇક્રોસોફ્ટ ઓફિસના બદલે 'લિબરઓફિસ' (LibreOffice) અપનાવ્યું છે, જે ક્લાઉડને બદલે ઓફલાઇન કામ કરે છે, જેથી ડેટા ચોરીનો ભય ન રહે.
કેમ જાગ્યો આ ડર?
યુરોપની ચિંતા ત્યારે વધી જ્યારે અમેરિકાએ ટ્રમ્પ શાસન દરમિયાન આંતરરાષ્ટ્રીય કોર્ટના એક અધિકારી પર પ્રતિબંધ મૂક્યો અને માઇક્રોસોફ્ટે તરત જ તેની ઇમેઇલ સેવા બંધ કરી દીધી. આનાથી યુરોપને સમજાયું કે અમેરિકન કંપનીઓ ટેકનોલોજીને 'હથિયાર' તરીકે ગમે ત્યારે વાપરી શકે છે. હવે ડેનમાર્ક જેવા દેશો પણ "પહેલા આઝાદી, પછી પૈસા" ના મંત્ર સાથે ટેક-સ્વતંત્રતા તરફ આગળ વધી રહ્યા છે.
યુરોપનો આ નિર્ણય સાબિત કરે છે કે ભવિષ્યમાં ડેટા એ જ સૌથી મોટું શસ્ત્ર છે અને તેની સુરક્ષા માટે કોઈ પણ દેશ પર વધુ પડતી નિર્ભરતા જોખમી છે.

(5:58 PM IST)