News of Wednesday, 4th February 2026
સુપ્રીમ કોર્ટની MCA ને જોરદાર ફટકાર: "તમે મોટી છેતરપિંડી કરી રહ્યા હતા, હાઈકોર્ટે તમને બરાબર રોક્યા!"
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પરનો સ્ટે હટાવવાનો ઇનકાર; CJI એ કહ્યું- "જેમને બેટ પકડતા નથી આવડતું તેમને સભ્ય બનાવી દીધા?"

નવી દિલ્હી : મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) માં સત્તા કબજે કરવા માટે ખેલાયેલા 'ખેલ' પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે MCA ની એપેક્સ કાઉન્સિલની ચૂંટણી પર બોમ્બે હાઈકોર્ટે લગાવેલા સ્ટેને હટાવવાનો સાફ ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, કોર્ટે એસોસિએશનની કામગીરી પર અત્યંત કડક ટિપ્પણી કરતા તેને 'મોટી છેતરપિંડી' ગણાવી છે.
"બમ્પર ડ્રો લાગ્યો છે કે શું?" - CJI નો કટાક્ષ
સુનાવણી દરમિયાન જ્યારે જાણવા મળ્યું કે ચૂંટણીના થોડા સમય પહેલા જ અચાનક 400 નવા સભ્યો ઉમેરી દેવામાં આવ્યા છે, ત્યારે CJI સૂર્યકાંતે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "૧૯૮૬ થી ૨૦૨૩ સુધી તમારી પાસે માત્ર ૧૬૪ સભ્યો હતા, અને ૨૦૨૩ પછી અચાનક આટલો મોટો 'બમ્પર ડ્રો' કેવી રીતે લાગ્યો?" તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમે એવા લોકોને સભ્યો બનાવી રહ્યા છો જેમને ક્રિકેટ વિશે કંઈ ખબર નથી, જેમને બેટ પકડતા પણ નથી આવડતું! જો સભ્યપદ આપવું જ હતું તો નિવૃત્ત ક્રિકેટરોને કેમ ન આપ્યું?"
રોહિત પવાર અને રાજકીય કનેક્શન
આ વિવાદની પાછળ મોટું રાજકીય કારણ હોવાનું મનાય છે. પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ અને અન્ય લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે વર્તમાન પ્રમુખ અને શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવાર ના નજીકના સંબંધીઓ અને NCP ના ડઝનબંધ નેતાઓને ગેરકાયદેસર રીતે સભ્ય બનાવી દેવાયા છે. આરોપ છે કે મતદારોની યાદીમાં રોહિત પવારની પત્ની કુંતી પવાર અને સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સહિતના પારિવારિક સભ્યોના નામ ઘૂસાડીને 'રાજવંશ' સ્થાપવાનો પ્રયાસ કરાયો હતો.
હવે આગળ શું?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બોમ્બે હાઈકોર્ટનો સ્ટે એકદમ વાજબી છે કારણ કે લોકશાહી ઢબે થતી ચૂંટણીમાં આ પ્રકારની ગેરરીતિ સાંખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે MCA ને ફરીથી હાઈકોર્ટમાં જઈને પોતાની દલીલો રજૂ કરવા જણાવ્યું છે અને હાઈકોર્ટને આ મામલે ઝડપી નિર્ણય લેવા વિનંતી કરી છે. આ નિર્ણય રોહિત પવાર અને વર્તમાન મેનેજમેન્ટ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
કોર્ટે અંતમાં ટકોર કરી હતી કે, "ક્રિકેટ એસોસિએશનો સત્તાધીશોના કારણે નથી, પણ ક્રિકેટરોના કારણે છે."
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
