<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સુપ્રીમ કોર્ટમાં મમતા બેનર્જીનો 'પાવરફુલ' અંદાજ: જ્યારે CJI એ કહ્યું- "મેડમ, આમાં કોઈ શંકા નથી..."

પશ્ચિમ બંગાળના સીએમ પોતે કોર્ટમાં દલીલ કરવા ઊભા થયા; રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ ટાંકીને કહ્યું- "ન્યાય દરવાજા પાછળ રડી રહ્યો છે"

નવી દિલ્હી:  આજે સુપ્રીમ કોર્ટનો ખંડ વકીલોથી ખચોખચ ભરેલો હતો, પરંતુ સૌની નજર એક જ વ્યક્તિ પર ટકેલી હતી – પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ વતી વકીલો દલીલ કરતા હોય છે, પરંતુ મમતા બેનર્જીએ પોતે SIR (Special Interim Relief) પ્રક્રિયા અંગે રાજ્યની વેદના રજૂ કરવા માટે ન્યાયાધીશો સામે મોરચો સંભાળ્યો હતો. તેમણે ખૂબ જ નમ્રતા અને સ્પષ્ટતા સાથે કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.

કોર્ટમાં સર્જાયા હાસ્યના ફુવારા

દલીલો શરૂ કરતા પહેલા મમતા બેનર્જીએ મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને પૂછ્યું, "શું હું વિગતવાર સમજાવી શકું સાહેબ? કારણ કે હું એ રાજ્ય (બંગાળ) માંથી આવું છું." આના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે સ્મિત સાથે કહ્યું, "મેડમ, આ બાબતમાં કોઈને શંકા ન હોવી જોઈએ (કે તમે બંગાળના છો)..." CJI ના આ હળવા અંદાજ પર આખી કોર્ટમાં હાસ્ય રેલાઈ ગયું હતું. મમતા બેનર્જીએ પણ વળતા પ્રતિભાવમાં હાથ જોડીને કોર્ટનો આભાર માન્યો હતો.

ટાગોરને ટાંકીને ન્યાયની અપીલ

મમતા બેનર્જીએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાવુક થઈને કહ્યું, "ન્યાય દરવાજા પાછળ રડી રહ્યો છે... અમને ક્યાંય ન્યાય મળતો હોય તેવું લાગતું નથી." તેમણે આરોપ લગાવ્યો કે બંગાળને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને મતદાર યાદીમાંથી માત્ર નામો કાઢી નાખવાનું જ કામ થઈ રહ્યું છે, નવા નામો ઉમેરવામાં આવતા નથી. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે માઈક્રો-ઓબ્ઝર્વર્સ તરીકે માત્ર ભાજપ શાસિત રાજ્યોના અધિકારીઓને જ કેમ લાવવામાં આવે છે?

કોર્ટે શું લીધો નિર્ણય?

મમતા બેનર્જી સાથે રહેલા સાંસદ અને વકીલ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે કોર્ટે આ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા છે. ચૂંટણી પંચે દલીલ કરી હતી કે બંગાળમાં પૂરતા પ્રમાણમાં SDM અધિકારીઓ ઉપલબ્ધ નથી, જેની સામે કોર્ટે ગ્રેડ-૨ ના અધિકારીઓની મદદ લેવા સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે.

(7:00 PM IST)