<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ટ્રમ્પના પરસેવા છોડાવનાર પત્રકાર: કોણ છે કેટલિન કોલિન્સ, જેની એક વર્ષની કમાણી જાણીને તમે દંગ રહી જશો!

જેફરી એપ્સ્ટેઇન સેક્સ સ્કેન્ડલ પર સવાલ પૂછતા જ ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ, વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી: વાર્ષિક ₹27 કરોડથી વધુનો પગાર મેળવતી આ સ્ટાર એન્કરની નીડરતા ચર્ચામાં

વોશિંગ્ટન:  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિવાદોનો જૂનો નાતો છે, પરંતુ આ વખતે વ્હાઇટ હાઉસમાં તેમની સામે જે પડકાર આવ્યો તે કોઈ રાજકીય નેતા નહીં પણ 33 વર્ષીય મહિલા પત્રકાર કેટલીન કોલિન્સ હતી. CNN ની આ નીડર એન્કરે જ્યારે ટ્રમ્પને કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથે જોડાયેલા તાજેતરના દસ્તાવેજો વિશે પ્રશ્ન કર્યો, ત્યારે વાતાવરણ એકાએક ગરમાઈ ગયું હતું. ટ્રમ્પે પ્રશ્નોનો જવાબ આપવાને બદલે કોલિન્સ પર વ્યક્તિગત પ્રહારો કર્યા અને CNN ને ‘ફેક ન્યૂઝ’ કહીને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો. જોકે, કોલિન્સ પણ ડગ્યા વગર રાષ્ટ્રપતિની આંખમાં આંખ મિલાવીને પ્રશ્નો પૂછતી રહી, જેના વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના બાદ કેટલિન કોલિન્સ તેની કમાણીને લઈને પણ ભારે ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, CNN ની આ સ્ટાર એન્કર વાર્ષિક અંદાજે 3 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે ₹27.24 કરોડનો જંગી પગાર મેળવે છે. ભારતીય પત્રકારત્વના પરિપ્રેક્ષ્યમાં આ આંકડો અકલ્પનીય છે, પરંતુ અમેરિકામાં ટોચના ન્યૂઝ એન્કરો માટે આ સ્ટાન્ડર્ડ પેકેજ માનવામાં આવે છે. કોલિન્સની પ્રોફાઇલ એટલી મજબૂત છે કે તે અગાઉ પણ અનેકવાર ટ્રમ્પ વહીવટીતંત્ર સામે રક્ષણાત્મક નહીં પણ આક્રમક વલણ અપનાવી ચૂકી છે, જે તેને વિશ્વની સૌથી વધુ કમાણી કરતી અને પ્રભાવશાળી પત્રકારોની યાદીમાં મૂકે છે.

વિવાદના કેન્દ્રમાં રહેલા એપ્સ્ટેઇન કેસના લાખો દસ્તાવેજો જાહેર થતા જ અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભૂકંપ આવ્યો છે. આ ફાઇલોમાં માત્ર ટ્રમ્પ જ નહીં, પરંતુ બિલ અને હિલેરી ક્લિન્ટન જેવા દિગ્ગજોના નામ પણ ઉછળ્યા છે. જ્યારે કોલિન્સે ક્લિન્ટન દંપતી દ્વારા જુબાની આપવાની તૈયારી વિશે પૂછ્યું, ત્યારે ટ્રમ્પે તેને "શરમજનક" ગણાવ્યું હતું. વર્ષો પહેલા જેફરી એપ્સ્ટેઇનના જેલમાં થયેલા રહસ્યમય મૃત્યુ બાદ હવે આ દસ્તાવેજોએ અમેરિકાના પાવરફુલ લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. કેટલિન કોલિન્સ જેવા પત્રકારો આ કિસ્સામાં સત્ય બહાર લાવવા જે પ્રકારે જોખમ ઉઠાવી રહ્યા છે, તે જ તેમની લોકપ્રિયતા અને ઉંચા પગારનું મુખ્ય કારણ છે.

(7:52 PM IST)