<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાહુલનો ‘એક્સ’ (X) પર વીડિયો વાર: "પીએમ મોદી સત્યથી ડરી ગયા છે: તેથી જ મેદાન છોડી ભાગ્યા"

વડાપ્રધાનના ભાષણ પહેલા જ રાહુલ ગાંધીએ કરી હતી ભવિષ્યવાણી : સંસદમાં હોબાળા બાદ પીએમ મોદીનો જવાબ મુલતવી રહેતા વિપક્ષી નેતાનો આકરો પ્રહાર: "જો તેઓ આવ્યા હોત તો હું તેમને પુસ્તક આપીને સવાલ પૂછત"

નવી દિલ્હી:  સંસદનું બજેટ સત્ર અત્યારે માત્ર આંકડાઓની રમત નહીં, પણ રાજકીય યુદ્ધભૂમિ બની ગયું છે. બુધવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષના પ્રચંડ હોબાળાને કારણે તેમનું સંબોધન થઈ શક્યું નહીં. આ ઘટના બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર સીધો હુમલો કરતા કહ્યું કે, "પીએમ મોદી ડરી ગયા છે." રાહુલે દાવો કર્યો કે વડાપ્રધાન જાણીજોઈને સત્યનો સામનો કરવાનું ટાળી રહ્યા છે અને એટલે જ તેઓ ગૃહમાં હાજર રહ્યા નથી.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને ભાજપ છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી બપોરના સમયે જ એવી આગાહી કરતા જોવા મળે છે કે વડાપ્રધાન સાંજે ચર્ચામાં ભાગ લેવા નહીં આવે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "મને અગાઉથી જ ખબર હતી કે તેઓ આવશે નહીં. જો પીએમ મોદી આવ્યા હોત, તો હું તેમને એક પુસ્તક ભેટ આપવાનો હતો અને તેમની પાસે તે મુદ્દાઓ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરવાનો હતો." રાહુલના આ નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે.

બીજી તરફ, લોકસભામાં દ્રશ્યો એવા હતા કે સાંજે 5 વાગ્યે જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર સંધ્યા રાયની શાંતિ જાળવવાની અપીલની કોઈ અસર થઈ ન હતી. વિપક્ષી સાંસદોના સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનને કારણે વડાપ્રધાન મોદી પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા અને અંતે ભાષણ મુલતવી રાખવાની ફરજ પડી હતી. ભાજપે રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ આ ઘટનાને લોકશાહીમાં વિપક્ષના અવાજ અને સત્યની જીત તરીકે ગણાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

(7:53 PM IST)