<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ભારતીય સેનાનો આતંકીઓ પર 'કાળઝાળ' પ્રહાર: ઉધમપુરમાં જેશના આતંકીઓ છુપાયા હતા તે ગુફાને જ બોમ્બથી ઉડાવી દીધી!

'ઓપરેશન સિંદૂર' બાદ સેનાની વધુ એક મોટી સફળતા; ગુફામાં છુપાયેલા ખુંખાર આતંકીઓના ચિથરેચિથરા ઊડી ગયા, સરહદ પર સઘન સર્ચ ઓપરેશન જારી

શ્રીનગર: જમ્મુ -કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ગતિવિધિઓને નાબૂદ કરવા માટે ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઉધમપુર વિસ્તારમાં સુરક્ષાબળોને બાતમી મળી હતી કે જેશ-એ-મોહમ્મદના કેટલાક ખુંખાર આતંકીઓ એક ગુપ્ત ગુફામાં આશરો લઈ રહ્યા છે. સેનાએ કોઈપણ પ્રકારની રાહ જોયા વિના આખી ગુફાને જ શક્તિશાળી વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આ ઓપરેશનમાં ગુફાની અંદર હાજર અનેક આતંકીઓના મોત થયા હોવાની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકીઓ રશિયા અને અમેરિકાના અત્યાધુનિક હથિયારોથી સજ્જ હતા અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. અગાઉ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકી અડ્ડાઓને જે રીતે તોડી પાડવામાં આવ્યા હતા, તેનાથી આતંકીઓ ફફડી ઉઠ્યા હતા. હવે ઉધમપુરની આ કાર્યવાહીએ આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે.
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ દેશભરમાંથી લોકો ભારતીય સેનાના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે. નેટીઝન્સ "ભારત માતા કી જય" અને "જય હિંદ" ના નારા લગાવી રહ્યા છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખીણમાંથી છેલ્લા આતંકીનો સફાયો નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના ઓપરેશન્સ ચાલુ રહેશે.
આ મોટા ઓપરેશન બાદ એલઓસી (LoC) અને આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સેનાના ડ્રોન અને અત્યાધુનિક સાધનોની મદદથી અન્ય સંભવિત ઠેકાણાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રક્ષા નિષ્ણાતો માની રહ્યા છે કે આ પ્રકારની કડક કાર્યવાહીથી આતંકીઓને પાકિસ્તાન તરફથી મળતી મદદ અને તેમના હોસલાઓ પસ્ત થઈ જશે.

(7:56 PM IST)