<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સોનું ખરીદવા ભારત કરતા આ દેશો છે બેસ્ટ: ભારતમાં ભાવ ₹૧.૫૮ લાખને પાર, તો અહીં ₹૧૦,૦૦૦ સુધીનો છે મોટો ફાયદો!

દુબઈથી લઈને સ્વિટ્ઝર્લૅન્ડ સુધીના ભાવની યાદી; જાણો શા માટે ભારતીયો માટે વિદેશી બજાર હજુ પણ છે આકર્ષક

નવી દિલ્હી:ભારતીય બજારમાં બજેટ બાદ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ આશરે ₹૧,૫૮,૯૨૨ પર પહોંચ્યો છે. જોકે, વિશ્વના એવા કેટલાક દેશો છે જ્યાં ભારત કરતા સોનું નોંધપાત્ર રીતે સસ્તું મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના બેઝ પ્રાઈસ સમાન હોવા છતાં, જે તે દેશની ટેક્સ પોલિસી અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં તફાવત હોવાને કારણે અંતિમ કિંમતમાં મોટો ફેરફાર જોવા મળે છે.

 દુબઈમાં સોનાની આયાત પર કોઈ ડ્યુટી નથી અને ત્યાં લાગતો ૫% વેટ પણ પ્રવાસીઓને એરપોર્ટ પર પરત મળી જાય છે. દુબઈમાં ૨૪-કેરેટ સોનાનો ભાવ આશરે ₹૧,૫૦,૪૦૦ છે, જે ભારત કરતા ₹૮,૦૦૦ થી ₹૧૦,૦૦૦ જેટલું સસ્તું છે. હોંગકોંગ પણ ટેક્સ-ફ્રી પોર્ટ હોવાને કારણે ત્યાં સોનું ખરીદવું અત્યંત સસ્તું પડે છે.
 શુદ્ધતા માટે જાણીતા સ્વિટ્ઝર્લૅન્ડમાં સોનાના દર ભારત કરતા ₹૪,૦૦૦ થી ₹૫,૦૦૦ ઓછા છે. તેવી જ રીતે, અમેરિકામાં પણ ૨૪-કેરેટ સોનું આશરે ₹૧,૪૫,૭૦૦માં મળી રહ્યું છે. થાઈલેન્ડ જેવા દેશોમાં મેકિંગ ચાર્જ ઓછો હોવાને કારણે ભારતીય પ્રવાસીઓ ત્યાંથી સોનું ખરીદવાનું વધુ પસંદ કરે છે.
 ભારતમાં સોનાના ઊંચા ભાવ પાછળ મુખ્ય ત્રણ કારણો છે: ૧૫% જેટલી ઉંચી આયાત જકાત, ૩% GST અને વધારાનો કૃષિ સેસ. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાના નબળા મૂલ્યને કારણે પણ આપણે વિદેશથી સોનું મંગાવવા માટે વધુ કિંમત ચૂકવવી પડે છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડે છે.

(8:47 PM IST)