News of Wednesday, 4th February 2026
વૈષ્ણો દેવી ધામમાં કુદરતની લીલા: કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ અકબંધ, હેલિકોપ્ટર સેવા ખોરવાઈ!
ખરાબ હવામાન છતાં 'જય માતા દી'ના નારાથી ગુંજી ઉઠ્યા પહાડો; ભીડ ઓછી હોવાથી શ્રદ્ધાળુઓને પ્રાચીન ગુફાના દર્શનનું મળ્યું સૌભાગ્ય

કટરા: માતા વૈષ્ણો દેવીના દરબારમાં મંગળવારે અચાનક હવામાન પલટાયું હતું. બપોર પછી કટરા અને ભવન વિસ્તારમાં હળવો વરસાદ અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. ધુમ્મસ અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે કટરાથી સાંજલી છત સુધીની હેલિકોપ્ટર સેવા બપોર બાદ બંધ કરી દેવી પડી હતી, જેનાથી કેટલાક મુસાફરોને મુશ્કેલી પડી હતી.
હવામાન ભલે પ્રતિકૂળ હોય, પરંતુ ભક્તોની આસ્થા ડગી નહોતી. મુશળધાર પવન અને વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ લાકડીના ટેકે અને જયકારા લગાવતા ભવન તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. યાત્રા માર્ગ પર રેઈનકોટ અને ગરમ કપડાંમાં સજ્જ ભક્તોનો ઉત્સાહ એ વાતની સાક્ષી પૂરતો હતો કે માતાના તેડા આગળ હવામાન તો ગૌણ છે.
ફેબ્રુઆરી મહિનો હોવાથી હાલમાં યાત્રીઓની સંખ્યા ઉનાળા કે રજાઓ જેટલી હોતી નથી. ભીડ ઓછી હોવાનો સીધો ફાયદો ભક્તોને એ મળ્યો કે શ્રાઈન બોર્ડ દ્વારા પવિત્ર પ્રાચીન ગુફાના દ્વાર પણ કુદરતી દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર અને શ્રાઈન બોર્ડે વરસાદી માહોલને જોતા ભક્તો માટે રહેવા અને જમવાની તમામ વ્યવસ્થાઓ ચુસ્ત કરી દીધી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
