હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતની ‘સ્ટ્રેટેજિક પેશન્સ’ : વેપાર મુદ્દે અમેરિકાના દબાણ સામે ભારત ઝૂક્યું નહીં : અજિત ડોવાલે માર્કો રુબિયોને સ્પષ્ટ કહી દીધું કે ‘અમે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવાની રાહ જોઈ શકીએ છીએ’
બ્લૂમબર્ગના અહેવાલમાં મોટો ધડાકો : પ્રચંડ ટેરિફ અને જાહેરમાં થતી ટીકાઓ છતાં ભારતે કૃષિ-ડેરી સેક્ટરના હિતો સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો : ડોવાલની ગુપ્ત મુત્સદ્દીગીરી અને મક્કમ વલણ બાદ ટ્રમ્પના તેવર નરમ પડ્યા

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલા વેપાર કરાર (Trade Deal) પાછળની ચોંકાવનારી વિગતો બ્લૂમબર્ગના એક અહેવાલ દ્વારા સપાટી પર આવી છે. આ અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે ઝૂકવાને બદલે અત્યંત મક્કમ વલણ અપનાવ્યું હતું. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ખાનગીમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જો શરતો ભારત વિરોધી હશે, તો ભારત કોઈ પણ સમજૂતી વગર ટ્રમ્પનો ૨૦૨૯ સુધીનો કાર્યકાળ પૂરો થવાની રાહ જોવા તૈયાર છે.
અજિત ડોવાલનો વોશિંગ્ટનને મક્કમ સંદેશ:
સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રારંભમાં યોજાયેલી એક ખાનગી બેઠકમાં અજિત ડોવાલે અમેરિકી વહીવટીતંત્રને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ કે તેમના સહયોગીઓ દ્વારા ડરાવી શકાય નહીં. ભારતે ભૂતકાળમાં પણ અમેરિકાના પ્રતિકૂળ શાસનોનો સામનો કર્યો છે." આ સાથે જ ન્યુ દિલ્હીએ વોશિંગ્ટનને એવી પણ તાકીદ કરી હતી કે જો તેઓ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માંગતા હોય, તો જાહેરમાં કરવામાં આવતી આક્રમક ટીકાઓ પર લગામ લગાવવી પડશે.
સંબંધોમાં કડવાશ અને ટેરિફ યુદ્ધ:
આ રાજદ્વારી ગતિરોધ ત્યારે સર્જાયો હતો જ્યારે ટ્રમ્પ સરકારે ભારતીય નિકાસ પર ૫૦% જેટલો તોતિંગ ટેરિફ ઝીંકી દીધો હતો. વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નાવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા મુદ્દે ભારતની આકરી ટીકા કરી હતી અને રશિયા-યુક્રેન સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ જેવું વિવાદાસ્પદ નામ આપ્યું હતું. વધુમાં, મે ૨૦૨૫માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસીય સંઘર્ષમાં ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને ભારતે ફગાવી દેતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પર જાહેરાત અને વિવાદ:
આટલા તણાવ બાદ, અચાનક રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ભારત સાથેની વેપાર ડીલ ફાઈનલ થઈ હોવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે પીએમ મોદીને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા હતા. જોકે, પીએમ મોદીએ વેપાર કરાર વિશે જાહેરમાં મૌન સેવ્યું હતું, જેનાથી વિપક્ષોએ સરકાર પર કૃષિ અને ડેરી ક્ષેત્રમાં શરતો સ્વીકારી લેવાના આક્ષેપો કર્યા હતા.
ભારત સરકારનો બચાવ અને સુરક્ષિત હિતો:
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે આ કરારમાં ભારતના રાષ્ટ્રીય હિતો, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બ્લૂમબર્ગનો આ અહેવાલ હવે સરકારના પક્ષને મજબૂત કરી રહ્યો છે કે ભારત દબાણમાં આવ્યું નથી, પરંતુ વ્યૂહાત્મક ધીરજ (Strategic Patience) રાખીને પોતાના પક્ષે સોદો પાર પાડ્યો છે. ટૂંક સમયમાં આ કરારની તમામ ટેકનિકલ વિગતો સાથેનું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે. (મનિકંટ્રોલ વેબસાઈટ માંથી સાભાર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
