News of Thursday, 5th February 2026
ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક ઘટના: માતા-પિતાએ બે દિવ્યાંગ પુત્રો અને ૩ પાલતુ પ્રાણીઓ સાથે જીવન ટૂંકાવી નાખ્યું
પર્થમાં એક દંપતીએ તેમના બે ઓટિઝમ પીડિત પુત્રોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી: ઘટનાસ્થળેથી પોલીસને "અંદર પ્રવેશશો નહીં" તેવી ચિઠ્ઠી મળી આવી

પર્થ: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થના મોસમેન પાર્ક વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૫૦ વર્ષીય જેરોડ ક્લુન અને તેમની ૪૯ વર્ષીય જીવનસાથી માઈવેન્ના ગોસડોએ તેમના બે પુત્રો લિયોન (૧૬ વર્ષ) અને ઓટિસ (૧૪ વર્ષ) સાથે શંકાસ્પદ આત્મહત્યા કરી છે. આ બંને કિશોર પુત્રો 'નોન-વર્બલ ઓટિઝમ' (બોલી ન શકવાની વિકલાંગતા) થી પીડાતા હતા.
ચિઠ્ઠી અને સૂચના: જ્યારે બાળકોની સંભાળ રાખનાર કેર વર્કર ઘરે પહોંચ્યા ત્યારે તેમને દરવાજા પર એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે "અંદર પ્રવેશશો નહીં" (ડોન્ટ એન્ટર) અને તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસ તપાસ: પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે તેમને ચારેય સભ્યોના મૃતદેહ ઘરના અલગ-અલગ ભાગમાંથી મળી આવ્યા હતા. પરિવારની સાથે તેમના બે કૂતરા અને એક બિલાડી પણ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
કારણની આશંકા: તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, શનિવારે મળેલી બીજી એક ચિઠ્ઠી પરથી સંકેત મળે છે કે આ માતા-પિતા દ્વારા કરવામાં આવેલો 'મર્ડર-સ્યુસાઇડ પેક્ટ' (હત્યા બાદ આત્મહત્યાનો કરાર) હોઈ શકે છે.
પરિવારના નજીકના મિત્ર નેદ્રાના જણાવ્યા અનુસાર, આ દંપતી લાંબા સમયથી એકલતા અનુભવતું હતું. તેઓ બાળકોની સારસંભાળ માટે સરકારી મદદ (નેશનલ ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ સ્કીમ - એન.ડી.આઈ.એસ.) મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા અને તાજેતરમાં એક બાળકની સરકારી સહાય બંધ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બાળકોની સારસંભાળમાં ઊંઘનો અભાવ અને સતત પડકારોને કારણે હતાશ થઈને તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
