<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત સામે સરકારની ‘ઢાલ’: ઘર ગુમાવનારા પરિવારોને હવે મળશે 40 વર્ષ માટે જમીન

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની મોટી જાહેરાત: 6,400 પરિવારોને કરોડોની આર્થિક સહાય, માત્ર ₹10ના ભાડે મળશે રહેવા માટે પ્લોટ

જમ્મુ, તા.5: જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2025માં આવેલી કુદરતી આફતોએ અનેક પરિવારોના ઘર છીનવી લીધા હતા, પરંતુ હવે ઓમર અબ્દુલ્લા સરકારે આ પીડિતો માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી છે કે ભૂસ્ખલન, પૂર અને ભૂકંપ જેવી આફતોમાં બેઘર બનેલા ભૂમિહીન પરિવારોને સરકાર રહેણાંક હેતુ માટે 5 મરલા (આશરે 1360 ચોરસ ફૂટ) જમીન ફાળવશે.
આ જમીન કોઈ પણ પ્રીમિયમ વગર, એટલે કે મફત જેવી કિંમતે 40 વર્ષના લાંબા ગાળાના લીઝ (ભાડાપટ્ટા) પર આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ઉધમપુર જેવા પહાડી વિસ્તારોના હજારો લોકોને સીધો ફાયદો થશે જેમના ઘર કુદરતી હોનારતમાં જમીનદોસ્ત થઈ ગયા હતા.
માત્ર ₹10ના વાર્ષિક ભાડે આશરો
સરકારના આ ઐતિહાસિક નિર્ણયની સૌથી મોટી ખાસિયત એ છે કે લાભાર્થીઓએ વર્ષે માત્ર ₹10 પ્રતિ મરલા લેખે ભાડું ચૂકવવાનું રહેશે. આ લીઝ 40 વર્ષ માટે હશે, જેને જરૂરિયાત મુજબ ભવિષ્યમાં લંબાવી પણ શકાશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો હેતુ એવા પરિવારોનું પુનઃવસન કરવાનો છે જેમની પાસે હવે માથું ઢાંકવા માટે પોતાની કોઈ જમીન બચી નથી.
કરોડોની સહાય સીધી ખાતામાં
માત્ર જમીન જ નહીં, પણ સરકારે આર્થિક મદદનો પટારો પણ ખોલ્યો છે. ઉધમપુર, ચેનાની અને રામનગર સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલા 6,449 પરિવારોને ₹23.49 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ નુકસાનનું મૂલ્યાંકન ખાસ ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચી શકે.
નિર્ણયની મહત્વની બાબતો:
•    જમીન ફાળવણી: દરેક આફતગ્રસ્ત ભૂમિહીન પરિવારને 5 મરલા જમીન.
•    ખર્ચ: કોઈ પ્રીમિયમ નહીં, માત્ર ₹10 વાર્ષિક ટોકન ભાડું.
•    મદદ: ઉધમપુર જિલ્લામાં જ ₹23 કરોડથી વધુનું વળતર અપાયું.
•    હેતુ: પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી બેઘર થયેલા લોકોનું કાયમી પુનઃવસન.

(4:26 PM IST)