News of Thursday, 5th February 2026
બાળકોની સુરક્ષા માટે તમારો સ્માર્ટફોન બનશે ‘ઢાલ’: ફોનની આ એક સેટિંગ મુશ્કેલીમાં બચાવી શકે છે જીવ
દિલ્હી-NCRમાં ગુમ થતા બાળકોના ચોંકાવનારા આંકડા વચ્ચે ‘Emergency SOS’ વરદાન: જાણો કઈ રીતે પાવર બટન દબાવતા જ પોલીસ અને પરિવારને મળશે લોકેશન

નવી દિલ્હી, તા.5: દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કિશોર વયના બાળકો ગુમ થવાની ઘટનાઓ સતત વધી રહી છે. દિલ્હી પોલીસના રિપોર્ટ અનુસાર, હજુ પણ હજારો બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી. આ ગંભીર પરિસ્થિતિમાં તમારા ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન જ નહીં, પણ બાળકો માટે ‘લાઇફ સેવર’ બની શકે છે. ખાસ કરીને સ્માર્ટફોનમાં આવતી ‘Emergency SOS’ સુવિધા મુસીબતના સમયે સંકટમોચન સાબિત થઈ શકે છે.
સ્માર્ટફોનની આ ખાસ સેટિંગ તમને ભયના સમયે તાત્કાલિક મદદ મેળવવામાં મદદ કરે છે. જો બાળક કોઈ મુશ્કેલીમાં હોય અથવા તેને અસુરક્ષિત લાગે, તો તેણે માત્ર ફોનનું પાવર બટન ત્રણ કે પાંચ વાર ઝડપથી દબાવવાનું હોય છે. આમ કરવાથી ફોન આપમેળે ઇમરજન્સી નંબર (જેમ કે 112) અને પરિવારના સભ્યોને મદદ માટેનો મેસેજ મોકલી દે છે. સૌથી મોટી વાત એ છે કે આ મેસેજમાં બાળકનું લાઈવ લોકેશન પણ શેર થાય છે, જેથી તેને ઝડપથી શોધી શકાય.
ચિંતાજનક આંકડા અને ટેકનોલોજીની જરૂરિયાત
દિલ્હી પોલીસના પ્રયાસો છતાં 4,500 થી વધુ કિશોરીઓ અને 6,000 થી વધુ કિશોરો હજુ પણ લાપતા છે. NCR ના અન્ય શહેરોમાં પણ સ્થિતિ આવી જ છે. આવામાં માતા-પિતાએ પોતાના બાળકોના ફોનમાં SOS ફીચર એક્ટિવેટ કરવું અનિવાર્ય બન્યું છે. આ ફીચર ઇન્ટરનેટ વગર પણ અમુક અંશે કામ કરે છે અને સંકટના સમયે પોલીસ તંત્રને પણ એલર્ટ કરી શકે છે.
તમારા ફોનમાં SOS કેવી રીતે સેટ કરશો?
- ફોનના Settings માં જાઓ.
- Safety & Emergency અથવા Emergency SOS સર્ચ કરો.
- તમારા પરિવારના સભ્યોના મોબાઈલ નંબર Emergency Contacts માં ઉમેરો.
- Emergency SOS ટોગલ બટનને ઓન કરો.
- હવે પાવર બટન દબાવતા જ લોકેશન અને ચેતવણી મેસેજ જશે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
