News of Thursday, 5th February 2026
વર્ક ફ્રોમ ‘શ્રીલંકા’: પ્રવાસીઓ માટે ખુલ્યા ડિજિટલ નોમાડ વિઝાના દ્વાર, હવે બીચ પર બેસીને કરી શકશો ઓફિસનું કામ
શ્રીલંકા સરકારે વિઝા નિયમો કર્યા સરળ: મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજીની સુવિધા શરૂ, લાંબા સમય સુધી રોકાવા ઈચ્છતા આઈટી પ્રોફેશનલ્સ માટે મોટી તક

રાજકોટ, તા.5: જો તમે ઓફિસના કામથી કંટાળ્યા હોવ અને કોઈ સુંદર દેશમાં રહીને કામ કરવા માંગતા હોવ, તો શ્રીલંકા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. શ્રીલંકા સરકારે સત્તાવાર રીતે ‘ડિજિટલ નોમાડ વિઝા’ (Digital Nomad Visa) રજૂ કર્યા છે. આ વિઝા હેઠળ વિદેશી નાગરિકો શ્રીલંકામાં રહીને તેમની વિદેશી કંપની માટે રિમોટલી (દૂરસ્થ રીતે) કામ કરી શકશે. વૈશ્વિક સ્તરે વધી રહેલા 'વર્ક ફ્રોમ એનીવ્હેર'ના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવા વિઝાની ખાસિયત એ છે કે તેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ છે. પ્રવાસીઓ હવે 'શ્રીલંકા ટુરિસ્ટ મોબાઈલ એપ' દ્વારા ઘરે બેઠા વિઝા માટે અરજી કરી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિઝા ધારકો શ્રીલંકાની સુંદરતાનો આનંદ માણતા માણતા પોતાની વિદેશી નોકરી ચાલુ રાખી શકશે, પરંતુ તેઓ શ્રીલંકાની સ્થાનિક કંપનીઓમાં નોકરી કરી શકશે નહીં.
વિસ્તૃત પ્રવાસી વિઝાની પણ સુવિધા
ડિજિટલ નોમાડ વિઝા ઉપરાંત, શ્રીલંકાએ તેના પ્રવાસી વિઝાની મુદત પણ લંબાવી છે. હવે પ્રવાસીઓ લાંબા સમય સુધી ટાપુ રાષ્ટ્રમાં રોકાઈ શકશે. વિસ્તૃત પ્રવાસી વિઝા ધારકો પોતાની વિદેશી કંપનીનું પ્રતિનિધિત્વ કરી શકશે અને શ્રીલંકામાં તેમની સેવાઓનો પ્રચાર પણ કરી શકશે. આ પગલાથી શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળવાની અપેક્ષા છે, કારણ કે આનાથી દેશમાં વિદેશી હૂંડિયામણની આવક વધશે.
નવી વિઝા પોલિસીની મુખ્ય વિગતો:
- ડિજિટલ નોમાડ વિઝા: વિદેશી કંપની માટે શ્રીલંકાથી કામ કરવાની છૂટ.
- અરજી માધ્યમ: 'શ્રીલંકા ટુરિસ્ટ મોબાઈલ એપ' દ્વારા ડિજિટલ રજીસ્ટ્રેશન.
- મર્યાદા: સ્થાનિક બજારમાં નોકરી કે વ્યવસાય કરવાની પરવાનગી નથી.
- ફાયદો: લાંબા ગાળાના રોકાણ માટે સરળ અને ઝડપી ઓનલાઈન મંજૂરી.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
