News of Thursday, 5th February 2026
રાજ્યસભામાં મોદીનો 'માસ્ટરસ્ટ્રોક': વિપક્ષના હોબાળા વચ્ચે ખડગેની ઉંમર પર પીએમનો ધારદાર કટાક્ષ!
સંસદના ઉપલા ગૃહમાં જ્યારે વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા, ત્યારે પીએમ મોદીએ ચપટી લેતા કહ્યું - "ખડગેજી થાકી જશે, તેમને બેસીને નારા લગાવવાની છૂટ આપો" : વિપક્ષના વોકઆઉટ પર પણ વરસ્યા પીએમ

નવી દિલ્હી: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આજે ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. પીએમ મોદી જ્યારે ભાષણ આપવા ઊભા થયા, ત્યારે વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરી આખું ગૃહ માથે લીધું હતું. આ શોરબકોર વચ્ચે પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધતા રમૂજી પણ તીખો કટાક્ષ કર્યો હતો. તેમણે અધ્યક્ષને વિનંતી કરતા કહ્યું કે, "ખડગેજીની વય મર્યાદાને જોતા તેમને ઊભા થઈને હેરાન થવાની જરૂર નથી, તેઓ બેઠા-બેઠા પણ સૂત્રોચ્ચાર કરી શકે છે." મોદીની આ વાત સાંભળતા જ સત્તાધારી પક્ષના સભ્યો હસી પડ્યા હતા, જ્યારે વિપક્ષી છાવણીમાં રોષ જોવા મળ્યો હતો.
પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, જે લોકો પાસે જનતાને આપવા માટે કંઈ નથી, તેઓ માત્ર અવાજ કરીને ભાગી જવામાં માને છે. જ્યારે વિરોધ પક્ષે ગૃહમાંથી વોકઆઉટ કરવાનું શરૂ કર્યું, ત્યારે મોદીએ ટોણો માર્યો કે "જેઓ થાકી ગયા છે તેઓ ચાલ્યા ગયા છે." તેમણે વિપક્ષના આ વર્તનને લોકશાહીનું અપમાન ગણાવ્યું અને ઉમેર્યું કે દેશની જનતા આ તમાશો જોઈ રહી છે. પીએમએ સ્પષ્ટ કર્યું કે ગમે તેટલો હોબાળો થાય, સરકાર દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પોતાના લક્ષ્યથી વિચલિત થશે નહીં.
ભારતના વધતા આર્થિક કદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ વિપક્ષને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે અમને વારસામાં એક લથડતું અર્થતંત્ર મળ્યું હતું, જેને અમે મહેનત કરીને આજે ચોથા નંબરે લાવ્યા છીએ અને ટૂંક સમયમાં જ ભારત વિશ્વની ટોપ-3 ઈકોનોમીમાં સામેલ થશે. વિપક્ષી સભ્યોના વોકઆઉટને તેમણે 'સત્યથી ભાગવાની વૃત્તિ' ગણાવી હતી. પીએમએ ભારપૂર્વક જણાવ્યું કે આજે આખું વિશ્વ ભારત તરફ આશા અને આત્મવિશ્વાસથી જોઈ રહ્યું છે, ત્યારે વિપક્ષે માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવાને બદલે દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
