News of Thursday, 5th February 2026
ભારતીયો પર ચઢ્યો 'જ્યોર્જિયા'નો જાદુ: માત્ર 6 મહિનામાં પ્રવાસીઓમાં 40% નો ઉછાળો
એશિયા અને યુરોપના સંગમ પર વસેલું જ્યોર્જિયા કેમ બની રહ્યું છે ભારતીયોની પહેલી પસંદ? :બરફીલા પર્વતો, પ્રાચીન સંસ્કૃતિ અને ઈ-વિઝાની સરળતાએ તેને બનાવ્યું સૌથી પોકેટ-ફ્રેન્ડલી ડેસ્ટિનેશન

અમદાવાદ: વિદેશ પ્રવાસનું સપનું જોતા ભારતીયો માટે હવે જ્યોર્જિયા એક નવું હોટસ્પોટ બની ગયું છે. તાજેતરના ડેટા મુજબ, વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં ભારતથી જ્યોર્જિયા જનારા મુસાફરોની સંખ્યામાં આશ્ચર્યજનક 40 ટકાનો વધારો નોંધાયો છે. આટલા બધા લોકો આ દેશ તરફ આકર્ષાયા છે કારણ કે તે ખૂબ જ ઓછા ખર્ચમાં યુરોપિયન લક્ઝરીનો અહેસાસ કરાવે છે. અહીં તમે એક તરફ બરફથી લથબથ પહાડોનો આનંદ માણી શકો છો, તો બીજી તરફ વિશાળ કાળા સમુદ્ર (Black Sea) ના કિનારે આરામ કરી શકો છો. પ્રાચીન મત્સખેતા શહેરની સાંકડી ગલીઓ અને તિબિલિસીના આધુનિક રોમેન્ટિક કાફે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
જ્યોર્જિયા લોકપ્રિય થવાનું સૌથી મોટું કારણ તેની વિઝા પ્રક્રિયા છે, જે કોઈપણ જાતની મગજમારી વગરની છે. ભારતીયોએ હવે વિઝા માટે કોઈ દૂતાવાસના ધક્કા ખાવાની કે લાંબી એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. જ્યોર્જિયા સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને માત્ર થોડી મિનિટોમાં જ ઈ-વિઝા મેળવી શકાય છે. તમને 120 દિવસની વેલિડિટીવાળા વિઝા મળે છે, જેમાં તમે 30 દિવસ સુધી આરામથી ફરી શકો છો. આ મલ્ટિપલ એન્ટ્રી વિઝા હોવાથી તમે આ ચાર મહિનાના ગાળામાં ગમે તેટલી વાર જઈ અને આવી શકો છો, જે ટૂંકા વેકેશનનું આયોજન કરતા લોકો માટે આશીર્વાદરૂપ છે.
બજેટની દ્રષ્ટિએ જોઈએ તો, જ્યોર્જિયા અન્ય યુરોપિયન દેશોની સરખામણીએ ઘણું સસ્તું છે. અહીં રહેવા, ખાવા-પીવા અને ફરવાનો ખર્ચ ભારતીય પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવો છે. માત્ર 2 થી 4 દિવસની ટૂંકી ટ્રિપમાં પણ તમે આ દેશની મુખ્ય અજાયબીઓ જોઈ શકો છો. ભલે તે પ્રાચીન સંસ્કૃતિ હોય કે આધુનિક જીવનશૈલી, જ્યોર્જિયામાં દરેક પ્રકારના પ્રવાસી માટે કંઈક ખાસ છે. આ જ કારણ છે કે હનીમૂન કપલ્સથી લઈને ફેમિલી ટ્રીપ માટે પણ ભારતીયો હવે થાઈલેન્ડ કે દુબઈના બદલે જ્યોર્જિયાની ટિકિટો બુક કરાવી રહ્યા છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
