News of Thursday, 5th February 2026
રાજપાલ યાદવ જેલ ભેગા : ચેક બાઉન્સ કેસમાં શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી: દિલ્હી હાઇકોર્ટનો આદેશ
ફિલ્મ 'આતા પતા લપતા' બનાવવી અભિનેતાને ભારે પડી: કોર્ટમાં સમય માંગવા છતાં જસ્ટિસે કહ્યું- "પહેલા જેલમાં જાઓ, પછી જ કંઈક વિચારાશે" : ૧૬ વર્ષ જૂના ૫ કરોડના દેવાએ હાસ્ય કલાકારની મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હી: બોલિવૂડમાં જેમના ચહેરા તરફ જોતા જ હસવું આવી જાય, તેવા દિગ્ગજ કલાકાર રાજપાલ યાદવ માટે આજનો દિવસ અત્યંત કપરો સાબિત થયો છે. ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવતા રાજપાલે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. ૨૦૧૦ માં પોતાની ડાયરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'આતા પતા લપતા' માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી લીધેલી ૫ કરોડની લોન હવે તેમના માટે ગળે ફાંસો બની ગઈ છે. ફિલ્મ ફ્લોપ રહી અને લોનની ચૂકવણી માટે આપેલી ગેરેંટી અને ચેક એક પછી એક બાઉન્સ થવા લાગ્યા, જેના પરિણામે આજે તેમને જેલની હવા ખાવાની ફરજ પડી છે.
કોર્ટરૂમમાં આજે ભારે ઉત્તેજના જોવા મળી હતી. રાજપાલ યાદવ પોતે ૨૫ લાખ રૂપિયાનો ચેક લઈને હાજર થયા હતા અને કોર્ટને આજીજી કરી હતી કે તેમને બાકીની રકમ ચૂકવવા માટે થોડો વધુ સમય આપવામાં આવે. જોકે, દિલ્હી હાઈકોર્ટના જજ તેમના આ 'છેલ્લી ઘડીના' પ્રયાસથી પ્રભાવિત થયા નહોતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે, "કાયદો પાલનને પુરસ્કાર આપે છે, અવમાનને નહીં." અગાઉ ૨૦૨૪ માં પણ તેમને સમાધાન માટે તક આપવામાં આવી હતી, પરંતુ રાજપાલે શરતોનું પાલન કર્યું નહોતું. કોર્ટે તેમને પહેલા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે કાયદાનો અનાદર કરનાર કોઈ પણ ઉદારતાની અપેક્ષા ન રાખે.
રાજપાલ યાદવના આ કેસમાં ટ્રાયલ કોર્ટે તેમને પહેલેથી જ છ મહિનાની સજા ફટકારી હતી. જેની સામે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે તેમને સમાધાન માટે લાંબો સમય આપ્યો, પરંતુ જ્યારે વચનો પૂરા ન થયા ત્યારે કોર્ટે ૪ ફેબ્રુઆરીએ તેમની રાહત અરજી ફગાવી દીધી. હવે રાજપાલે જેલની સજા કાપવાની શરૂઆત કરી છે. બોલિવૂડમાં આ સમાચાર ફેલાતા જ હડકંપ મચી ગયો છે, કારણ કે રાજપાલના અનેક મોટા પ્રોજેક્ટ્સ હવે અદ્ધરતાલ થઈ શકે છે. હાસ્યના બાદશાહ ગણાતા આ અભિનેતાએ કલ્પના પણ નહીં કરી હોય કે વાસ્તવિક જીવનની આ 'સ્ક્રિપ્ટ' તેમને જેલ સુધી લઈ જશે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
