News of Thursday, 5th February 2026
બિહાર વિધાનસભામાં 'ચાચા-ભત્રીજા'નો જંગ: "અરે બેસો: અમે તમારા પિતાના વખતના છીએ..." નીતિશ કુમારે તેજસ્વીને જાહેરમાં ખખડાવ્યા!
રાજ્યપાલના ભાષણ પર ચર્ચા દરમિયાન નીતિશ કુમારનો પિત્તો ગયો: તેજસ્વી યાદવને 'બાળક' કહીને જૂની વાતો યાદ અપાવી: ભ્રષ્ટાચારના આરોપો અને પલટી મારવાની વાતો વચ્ચે ગૃહમાં હાસ્યની છોળો ઊડી

પટણા: બિહાર વિધાનસભામાં રાજકીય મર્યાદા અને કટાક્ષનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યપાલના અભિભાષણ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર પીએમસીએચ (PMCH) અને 'હર ઘર નલ કા જલ' યોજનાની સફળતા ગાથા ગાઈ રહ્યા હતા, ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દખલગીરી કરી હતી. આનાથી નીતિશ કુમાર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તેજસ્વી તરફ ઈશારો કરતા કહ્યું કે, "અરે ભાઈ, તમે હજી બાળક છો, અમે તમારા પિતાના સમયથી રાજકારણમાં છીએ." નીતિશે ભૂતકાળને વાગોળતા કહ્યું કે 2018 પહેલા બિહારમાં વીજળી પણ નહોતી, અને આ બધું કામ અમે કર્યું છે, તમે તો માત્ર વચ્ચે થોડો સમય આવ્યા અને 'પૈસા કમાવવાનું' શરૂ કરી દીધું હતું.
ગૃહમાં વાતાવરણ ત્યારે વધુ ગરમાયું જ્યારે નીતિશે તેજસ્વી પર 'ફરતા રહેવાનો' એટલે કે પક્ષ બદલવાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં તેજસ્વીએ વળતો પ્રહાર કરતા કહ્યું, "તમે પોતે જ પલટી મારો છો અને અમને કહો છો!" આ સાંભળીને નીતિશ કુમારે મજાકિયા અને આક્રમક અંદાજમાં તેજસ્વીને બેસી જવા ઠપકો આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે તેજસ્વી સરકારમાં હતા ત્યારે તેઓ માત્ર પૈસા બનાવવામાં મશગૂલ હતા અને એટલે જ નીતિશને ગઠબંધન છોડવું પડ્યું હતું. આ શાબ્દિક યુદ્ધ દરમિયાન ગૃહમાં સતત હાસ્ય અને હોબાળો જોવા મળ્યો હતો, જાણે કોઈ રાજકીય ડ્રામા ચાલતો હોય.
બીજી તરફ, તેજસ્વી યાદવે હસતા મુખે પણ સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે બિહારને સ્પેશિયલ સ્ટેટસ એટલે કે ખાસ રાજ્યનો દરજ્જો આપવા માટે નીતિશ કુમારને આંદોલન કરવાની સલાહ આપી હતી. તેજસ્વીએ કટાક્ષ કર્યો કે હવે તો કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ તમારી જ સરકાર છે, તો પછી બિહારને ન્યાય ક્યારે મળશે? તેમણે 1961ના આંકડા ટાંકીને બિહાર પછાત હોવાનું કહીને ડબલ એન્જિન સરકાર પર નિશાન સાધ્યું હતું. આમ, વિધાનસભામાં નીતિશનો પર્સનલ એટેક અને તેજસ્વીનો વ્યૂહાત્મક ઘેરો બંનેએ બિહારના રાજકારણમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
