<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કોંગ્રેસનો પ્રહાર: "આ તો પાયમાલીનો ઉત્સવ છે, દેશહિત સાથે સમાધાન કેમ?"

સુપ્રિયા શ્રીનેતે ડીલને ગણાવી એકતરફી: અમેરિકાને 0% ટેરિફ અને ભારતીય માલ પર 18% ટેક્સ લાદવા સામે ઉઠાવ્યા આકરા સવાલો, રશિયા પાસેથી સસ્તું તેલ બંધ થવા પર પણ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ પર કોંગ્રેસે તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ સુપ્રિયા શ્રીનેતે એક વીડિયો નિવેદન જારી કરીને આ ડીલને ભારત વિરોધી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જે ડીલ પર ભાજપ અને મોદી સરકાર ઉત્સવ મનાવી રહી છે, તે વાસ્તવમાં ભારતીય અર્થતંત્ર અને ખેડૂતો માટે મોટો ફટકો સાબિત થશે.
શ્રીનેતે જણાવ્યું કે અત્યાર સુધી અમેરિકા ભારતીય નિકાસ પર સરેરાશ ૩% થી ઓછો ટેરિફ લગાવતું હતું, જે હવે વધીને ૧૮% થઈ જશે. બીજી તરફ, ભારતે અમેરિકી સામાન પરનો ટેક્સ ૩૦-૧૦૦% થી ઘટાડીને સીધો ૦% કરી દીધો છે. આનાથી ભારતીય બજારમાં અમેરિકી ચીજવસ્તુઓનો રાફડો ફાટશે અને સ્થાનિક વેપારીઓ તેમજ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને મોટું નુકસાન થશે.
  ખેડૂતો અને ઉદ્યોગો પર જોખમ: કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે જો અમેરિકાનો કૃષિ સામાન ટેક્સ વગર ભારતમાં આવશે, તો આપણા ખેડૂતોનું શું થશે? અમેરિકી કૃષિ સચિવ આ ડીલથી ખુશ છે, જેનો અર્થ છે કે અમેરિકી ખેડૂતોને ફાયદો થશે પણ ભારતીય ખેડૂતો પર હુમલો થશે. તેમણે એમ પણ પૂછ્યું કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા અને વેનેઝુએલા પાસેથી મોંઘું તેલ ખરીદવાનો નિર્ણય કોના દબાણમાં લેવાયો છે?
સુપ્રિયા શ્રીનેતે વધુમાં જણાવ્યું કે આ ડીલની વિગતો પીએમ મોદી પહેલા ટ્રમ્પે જાહેર કરી હતી. જો ટ્રમ્પની વાતો ખોટી હોય, તો ભારત સરકાર સત્તાવાર રીતે તેનો ઇનકાર કેમ નથી કરતી? તેમણે આક્ષેપ કર્યો કે સરકારે અમેરિકા સામે નતમસ્તક થઈને આ શરતો સ્વીકારી છે, જેનાથી ભારતીય ઉદ્યોગોની કમર તૂટી જશે. આ ડીલ બાદ હવે ભારતીય બજાર અને અર્થતંત્ર પર તેની શું અસર પડે છે, તેના પર નિષ્ણાતોની નજર છે.

(8:36 PM IST)