News of Friday, 6th February 2026
વિદેશી મહિલા સાથે મિત્રતા વધારવાની લાલસા ભારે પડી કચ્છી વેપારીને
APMCના દાણાબજારના વેપારીએ ૩૬.૨૮ લાખ રૂપિયાની રકમ ગુમાવી સાઇબર ઠગાઈમાં

નવી મુંબઈ તા.૬: નવી મુંબઈના APMCના દાણાબજારમાં વેપાર કરતા ૪૭ વર્ષના કચ્છી વેપારી સાથે સોશ્યલ મીડિયા મારફત સંપર્કમાં આવેલી એક વિદેશી મહિલાએ ફોરેકસ ટ્રેડિગમાં વધુ નફાનું આકર્ષણ બતાવીને ૩૬,૨૮,૦૦૦ રૂપિયા સાઇબર ઠગાઈ કરીને પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ મામલે કચ્છી વેપારીએ APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીનો ઇન્સ્ટાગ્રામ પર લીલા ગુપ્તા નામની મહિલાએ સંપર્ક કર્યો હતો. પછીથી વેપારી લીલા સાથે વધુ વાતચીત કરવાની લાલચમાં તેના કહેવા મુજબ ફોરેકસ ટ્રેડિગ કરવા તૈયાર થયો હતો. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઍપ મારફત વિશ્વાસ કેળવીને લીલાએ ૨૦૨૫ની ૨૭ સપ્ટેમ્બરથી ૧૫ જાન્યુઆરી દરમ્યાન પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વેપારી વર્ષોથી APMC માર્કેટમાં અનાજ-કઠોળનો વ્યવસાય કરે છે અને શેર માર્કેટમાં પણ અનુભવ ધરાવે છે. ૨૯ સપ્ટેમ્બરે તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર લીલા ગુપ્તા નામની મહિલા તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ અને મહિલાએ પોતે ફોરેકસ ટ્રેડિગથી મોટો નફો કમાતી હોવાનું જણાવ્યું.
મહિલાએ લંડનમાં રહેતા તેના કાકા શેરમાર્કેટમાં ટ્રેડિગ કરતા હોવાનું કહીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. એ સમયે વેપારી મહિલા સાથે વાત આગળ વધારવા માટે તેના કહેવા મુજબ ફોરેકસ ટ્રેડિગ કરવા તૈયાર થયો હતો.
ત્યાર બાદ મહિલાએ એક લિન્ક મોકલીને ફોરેકસ ટ્રેડિગ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વેપારીને ૪૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ થોડો નફો તેમના ખાતામાં જમા થતાં વેપારીને તેના પર વિશ્વાસ બેઠો અને તેણે અલગ-અલગ સમયે અલગ-અલગ બેન્ક-ખાતાંઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
પ્લેટફોર્મ પર લાખો રૂપિયાનો પ્રોફિટ દેખાડવામાં આવતો હતો પરંતુ જ્યારે વેપારીએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેકસના બહાને વધુ રકમ માગવામાં આવી. જોકે એ પછી આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો અને તમામ લિન્ક બંધ થઈ ગઈ હતી એથી વેપારીને છેતરપિડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ મામલે વેપારીએ સાઇબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી અને APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મોબાઇલ નંબર, ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ અને બેન્ક-ટ્રાન્ઝેકશનના આધારે તપાસ શરૂ કરી છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
