<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ભારે કરી! સોની બજારમાંથી કબૂતર સોનાની ચેન લઈને ઊડી ગયું

વેપારીઓના ધબકારા વધી ગયા...કબૂતર લાંબા સમય સુધી છત પર જ બેસી રહ્યું.આખરે સોનાની ચેન છોડી દીધી

નાગોર તા.૬: રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાના શહેરના સોની બજારમાંથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે થોડા સમય માટે આખી બજારનો માહોલ બદલી નાખ્યો. મોટા ભાગે સોની બજારમાં વેપારીઓને ચોરથી ડર રહેતો હોય છે, પણ આ વખતે ચોર કોઈ માણસ નહીં પણ એક કબૂતર નીકળ્યું. ઘટના ત્યારે થઈ જ્યારે એક જ્વેલરી દુકાનમાં સોનાના દાગીના તૈયાર થઈ રહ્યા હતા અને કારીગર પોતાના કામમાં વ્યસ્ત હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દુકાનની અંદર અચાનક એક કબૂતર ઉડતું આવ્યું અને કાઉન્ટર પર રાખેલી સોનાની ચેનને પોતાની ચાંચમાં દબાવીને ઊડી ગયું. ચેનની અનુમાનિત કિમત લગભગ એક લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ દ્રશ્ય જોઈ થોડી વાર માટે તો વેપારીઓ અને કારીગરો પણ ચોંકી ગયા હતા. કોઈને સમજાતું નહોતું કે આખરે આ કેવી રીતે બન્યું. પણ જેવું કબૂતર દુકાનની બહાર નીકળ્યું બજારમાં અફરાતફરી મચી ગઈ.

કબૂતર દુકાનમાંથી નીકળી નજીકમાં આવેલી એક બિલ્ડિંગની છત પર જઈને બેસી ગયું. વેપારીઓએ તરત સતર્કતા દેખાડતા તેના પર નજર રાખી, જેથી ચેન કયાંય પડી ન જાય. આજુબાજુના દુકાનદારો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને તમામની નજર કબૂતર પર અટકેલી હતી. અમુક લોકોએ તેને નીચે ઉતારવા માટે અવાજ પણ કર્યો, અમુકે ઇશારા કરી ઉડાવવાની કોશિશ કરી, પણ કબૂતર લાંબા સમય સુધી છત પર જ બેસી રહ્યું.

લગભગ એક મિનિટની મહામહેનત બાદ આખરે કબૂતરે સોનાની ચેન છોડી દીધી અને ત્યાંથી ઉડી ગયું. ત્યાર બાદ વેપારીઓએ તરત છત પર જઈને સોનાની ચેન સુરક્ષિત રીતે લઈ લીધી. ચેન મળતા જ તમામે રાહતનો શ્વાસ લીધો અને બજારનો માહોલ સામાન્ય થઈ ગયો. આ ઘટનાએ થોડી વાર માટે વેપારીઓને ચિતામાં નાખી દીધા, વળી આ ઘટના ત્યાં ચર્ચાનો વિષય બની ગઈ.

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે સોનાની કિમત સતત વધી રહી છે, આ દરમ્યાન આવી ઘટના સૌને ચોંકાવી રહી છે. જો કે આ ચોરીની સામાન્ય ઘટના નહોતી. તેમ છતાં થોડી વાર માટે નુકસાનની આશંકાએ સૌને ટેન્શનમાં મૂકી દીધા હતા. ઘટના બાદ બજારમાં હાજર લોકોએ તેને અજબ ગજબ ચોરી ગણાવતા નવાઈ પામ્યા હતા.

કુલ મળીને ડેગાનાની સોની બજારમાં થયેલી આ અનોખી ઘટના જરૂર હતી, પણ વેપારીઓની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાના કારણે મોટું નુકસાન ટળી ગયું. આ ઘટના હવે બજારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને એક રસપ્રદ પણ શીખ આપનારી ઘટના તરીકે જોઈ રહ્યા છે.

(10:17 AM IST)