તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 6th February 2026
આખરે મુંબઈ-પુણે એક્સપ્રેસવે ૩૩ કલાક પછી નોર્મલ થયો
એક્સપ્રેસવે પર લગભગ ૨૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો

મુંબઈ,તા.૦૬: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મંગળવારે સાંજે પાંચ વાગ્યે ગેસ-ટેન્કર પલટી ગયું હતું એને આખરે બુધવારની મધરાત પછી ૧.૪૬ વાગ્યે હટાવવામાં આવ્યું હતું અને ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એક્સપ્રેસવે પર લગભગ ૨૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જેમ થયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકારીના જણાવવા મુજબ ૩૩ કલાક બાદ ખંડાલા ઘાટ વિસ્તારમાં ટ્રાફિક નોર્મલ થયો હતો. ઘાટ વિસ્તારમાં આડોશી ટનલ નજીક અત્યંત જ્વલનશીલ પ્રોપિલિન ગેસ લઈ જતા ટેન્કરને અકસ્માત-સ્થળથી દૂર કર્યા બાદ મુંબઈ તરફ જતા કેરેજ-વે પર બુધવારે મોડી રાતે ૧.૪૬ વાગ્યે ટ્રાફિક ફરી શરૂ થયો હતો.
બુધવારે મોડી રાત્રે ટેન્કરમાંથી પ્રોપિલિન ગેસને સુરક્ષિત રીતે અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હેવી-ડ્યુટી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટેન્કરને હટાવવામાં આવ્યું હતું. ક્લિયરન્સની કામગીરી પૂરી થયા પછી ઘાટ વિભાગમાં વાહનોની અવરજવર ધીમે-ધીમે સામાન્ય થઈ હતી. જોકે કેટલાંક ભારે વાહનો આ માર્ગ પર અટવાઈ ગયાં હોવાથી થોડા સમય માટે વાહનોની ભીડ રહી હતી.
દોઢ દિવસ સુધી મુસાફરોને રઝળપાટ કરાવ્યા બાદ ગુરુવારે સવારે ૭.૩૦ વાગ્યે અમૃતાંજન બ્રિજ પાસે કેટલાંક ભારે વાહનોમાં બ્રેકડાઉન થતાં ઘાટ વિભાગમાં અવરજવર ફરી ધીમી પડી ગઈ હતી. ભારે ટ્રાફિક જેમ અને લોકોના રોષને કારણે MSRDCએ એક્સપ્રેસવે પર ટોલ વસૂલવાનું થોડા સમય માટે બંધ કર્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિદેએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ભારે ટ્રાફિક જેમની ગંભીર નોંધ લીધી છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે ખાસ ઇમર્જન્સી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. એક્સપ્રેસવે પર ઊંધા પડેલા ગેસ-ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રોપિલિન ગેસ લીક થયો હતો જેને કારણે મોટી દુર્ઘટના ટાળવા માટે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક બંધ રાખવો પડ્યો હતો. MSRDC દ્વારા નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉપરાંત ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને રિલાયન્સના નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
