તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Friday, 6th February 2026
RAC ટિકિટમાં અડધી સીટ માટે પૂરું ભાડું વસૂલવું ‘અયોગ્ય': રિફંડ આપવાની ભલામણ
સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ લગભગ બમણી કરવા અને ધીમી ટ્રેનોને સુપરફાસ્ટ નહીં ગણવા સંસદીય સમિતિની ભલામણ

નવી દિલ્હી,તા.૦૬: દેશમાં લાંબા અંતરની મુસાફરી માટે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં રોજના કરોડો પ્રવાસી મુસાફરી કરે છે, જેથી ટ્રેનમાં અમુક વખતે પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ પણ મળતી નથી. આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) પર મુસાફરી કરીને ટ્રાવેલ કરતા હોય છે, પરંતુ એમાં ભાડું પૂરું આપવું પડે છે, જે મુદ્દો સંસદમાં ગાજ્યો હતો.
સંસદીય સમિતિએ કહ્યું હતું કે આરએસી (રિઝર્વેશન એગેન્સ્ટ કેન્સલેશન)ની ટિકિટ પર ભાડું વસૂલવાનું યોગ્ય નથી, કારણ કે તેમાં પ્રવાસીઓને પૂરી સીટ પણ મળતી નથી અને ક્યારેક કન્ફર્મ બર્થ વિના પણ મુસાફરી કરવી પડતી હોય છે.
એક સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે ટ્રેનની રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (આરએસી) ટિકિટવાળાએ પૂરી બર્થ વિના પ્રવાસ કરવો પડે છે અને તેથી તેઓને થોડું રિફંડ આપવું જોઇએ. આ ઉપરાંત, સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટરથી લગભગ બમણી એટલે કે એકંદર ૧૦૦ કિલોમીટર કરવી જોઇએ તેમ જ તેનાથી ઓછી ઝડપી ટ્રેનોને સુપરફાસ્ટના વર્ગમાંથી કાઢી નાખવી જોઇએ.
જાહેર હિસાબ સમિતિએ ભારતીય રેલવેના ‘ટ્રેન વ્યવહારમાં ચોક્કસતા અને પ્રવાસનો સમય' મથાળા હેઠળના સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રેનનો આખરી ચાર્ટ તૈયાર થઇ જાય તે પછી પણ આરએસી રહેલી ટિકિટના ધારકે આખી બર્થ વિના પોતાનો પ્રવાસ પૂરો કરવો પડે છે. તેથી રેલવેએ આરએસી ટિકિટવાળાને થોડું રિફંડ આપવા માટેની ગોઠવણ કરવી જ જોઇએ.
રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (આરએસી) ટિકિટવાળાને હાલમાં જો પોતાની ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ ટિકિટ પૂરા રિઝર્વેશન સાથે ક્ધફર્મ ન થાય અને આખી સીટ ન મળે તો પોતાની બર્થ અન્ય આરએસી ટિકિટધારકની સાથે શેર કરવી પડે છે. આ બન્ને આરએસી ટિકિટધારક પાસેથી રેલવે પૂરું ભાડું જ વસૂલ કરે છે. જાહેર હિસાબ સમિતિએ રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન ટિકિટવાળાને થોડું રિફંડ આપીને તેની જાણ તેઓને (સંબંધિત મુસાફરોને) કરવા રેલવેને ભલામણ કરી હતી.
અહેવાલમાં સુપરફાસ્ટ ટ્રેનની વ્યાખ્યા અને તેને લગતા માપદંડ અંગે જણાવાયું હતું કે રેલવેએ ૨૦૦૭ના મેમાં નક્કી કર્યું હતું કે અપ અને ડાઉન દિશામાં બ્રોડ ગેજની ટ્રેનની સરેરાશ ઝડપ જો કલાક દીઠ ૫૫ કિલોમીટર હોય અને મીટર ગેજમાં કલાક દીઠ ૪૫ કિલોમીટર હોય તો તેને સુપરફાસ્ટ ટ્રેન ગણવી.
આમ છતાં, ઑડિટમાં જોવા મળ્યું હતું કે હાલના સમયે સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટરની બહુ જ ઓછી ગણાય અને રેલવે દ્વારા સુપરફાસ્ટ ટ્રેનની વ્યાખ્યામાં ૨૦૦૭થી કોઇ ફેરફાર નથી કરાયો. જાહેર હિસાબ સમિતિએ જણાવ્યું હતું કે રેલવેની ૪૭૮ સુપરફાસ્ટ ટ્રેનમાંની ૧૨૩ ટ્રેનની ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટરથી ઓછી છે.
રેલવે મંત્રાલયે સમિતિને જણાવ્યું હતું કે સુપરફાસ્ટ ૧૨૩ ટ્રેનમાંની ૪૭ ટ્રેનની ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટરથી વધુ છે, જ્યારે બાકીની ટ્રેનની ઝડપ તેનાથી ઓછી છે. ટ્રેનોને વધારાના સ્ટેશને સ્ટોપ આપવાથી તેઓની સરેરાશ ઝડપ ઘટે છે.
અહેવાલમાં જણાવાયું હતું કે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટર કે તેનાથી ઓછી હોવા અંગે રેલવે મંત્રાલયે પણ નારાજગી વ્યક્ત કરી છે. ઓછી ઝડપવાળી ટ્રેનોને સુપરફાસ્ટ ગણવાનું બંધ કરવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટર બહુ જ ધીમી ગણાય. ચીન અને જાપાન, જેવા પૂર્વ એશિયાના દેશોની ટ્રેનોની ઝડપની સરખામણીમાં ભારતીય રેલવેની સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ ઘણી જ ઓછી ગણાય. સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ ૫૫ કિલોમીટરથી લગભગ બમણી એટલે કે ૧૦૦ કિલોમીટર કરવી જોઇએ.
સમિતિએ જણાવ્યું હતું કે નવી ટ્રેનોને પસાર થવા માર્ગ આપવા માટે હાલની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો મોડી થાય છે. હાલની ટ્રેનોને વિલંબ ન થાય તેના પર રેલવેએ વધારે ધ્યાન આપવું જોઇએ
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
