<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

જૂની આવકવેરા પદ્ધતિ બંધ કરવાની કોઈ યોજના નથીઃ સીબીડીટી

૮૮ ટકા વ્‍યક્‍તિગત કરદાતાઓ નવી ટેક્‍સ વ્‍યવસ્‍થામાં શિફટ થઈ ગયા હોવા છતાં સરકાર હાલ જૂની પદ્ધતિ બંધ નહિ કરે

નવી દિલ્‍હી,તા.૦૬: ભારતમાં અત્‍યારે ૮૮ ટકા કરદાતાઓ નવી ટેક્‍સ  વ્‍યવસ્‍થામાં જોડાઈ ગયા હોવા છતાંય જૂની આવકવેરા પદ્ધતિને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. બજેટ ૨૦૨૬ પહેલાં એવી ચર્ચા હતી કે સરકાર જૂની આવકવેરા પદ્ધતિને ધીમે ધીમે બંધ કરી દેશે. પરંતુ હવે આ અફવાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે જણાવ્‍યું છે કે લગભગ ૮૮ ટકા વ્‍યક્‍તિગત કરદાતાઓ નવી ટેક્‍સ વ્‍યવસ્‍થામાં શિફટ થઈ ગયા છે, છતાં પણ સરકાર હાલ જૂની પદ્ધતિને અભેરાઈએ ચઢાવી દેવાનો કોઈ જ વિચાર ધરાવતી નથી.

તેમણે કહ્યું કે ઈન્‍કમટેક્‍સ રિટર્નના ફોર્મ ૧, ૨, ૩ અને ૪ને સાથે રાખીને ત્રિરાશી માંડવામાં આવે તો લગભગ નવમાંથી આઠ લોકો નવી પદ્ધતિ-ન્‍યૂ રિજિમ હેઠળ જ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કરી રહ્યા છે. આવકવેરાનું રિટર્ને ફાઈલ કરવા માટે ટેક્‍સ પદ્ધતિ પસંદ કરવી વ્‍યક્‍તિગત નિર્ણય છે, પરંતુ નવી વ્‍યવસ્‍થાને ખૂબ સારો પ્રતિસાદ મળી ગયો છે.

જૂના ટેક્‍સ રિજિમને ચાલુ રાખવા પાછળનાય ગણિત છે. બજેટ ૨૦૨૫ સુધીમાં જ લગભગ ૭૨-૭૫ ટકા કરદાતાઓ નવી પદ્ધતિમાં જઈ ચૂક્‍યા હતા. છેલ્‍લા એક વર્ષમાં વધુ ૧૩-૧૬ ટકા લોકોએ ફેરફાર કર્યો છે. કારણ કે નવા રિજિમમાં રૂ.૧૨.૭૫ લાખ સુધીની આવક પર અસરકારક ટેક્‍સ મુક્‍તિ છે. પહેલાં લગભગ ચોથો ભાગ કરદાતા ઇન્‍વેસ્‍ટમેન્‍ટની રકમ બાદ લઈ રહ્યા છે. પરંતુ હવે આ અંતર પણ ધીમે ધીમે ઘણું ઘટી ગયું છે. જૂની પદ્ધતિમાં ટેક્‍સ ડિડક્‍શનનો અને

બજેટ ૨૦૨૬માં ટેક્‍સ સ્‍લેબ બદલવાને બદલે સરકારએ વેરાના કાયદાઓનું પાલન કરવાની કામગીરીને સરળ બનાવવા પર ભાર મૂક્‍યો છે. હવે નવા રિટર્ન ફાઈલ કરવા માટે સીબીડીટી તમામ કરદાતાઓ માટે ઈન્‍કમેટેક્‍સ રિટર્ન માટેના નવા ફોર્મ, નવા નિયમો, વારંવાર પૂછવામાં આવતા સવાલોના વિગતવાર જવાબો જાહેર કરશે. આ બધું આવકવેરાની કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્‍યક્‍તિઓ જોઈ શકે તે રીતે ખુલ્‍લું રાખવામાં આવશે. રવિ અગ્રવાલે જણાવ્‍યું હતું કે એપ્રિલથી જૂન માસના દરમિયાન પ્રશ્નો વધી શકે છે. તેથી જ સીબીડીટી સમજાવટ સરળતાથી થાય તે માટેના કાગળો અને પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન પણ તૈયાર કરી રહી છે, આ વ્‍યવસ્‍થા કરીને ગેરસમજ ઓછી કરવામાં આવશે. પરિણામે કોર્ટ કેસ થવાના ઓછા થઈ જશે.

ગત રવિવારે સંસદમાં બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કરવામાં આવ્‍યું તે પછી કરદાતાઓને સરળતા રહે તે માટે નવી ડિઝાઈનના ઈન્‍કમટેક્‍સ રિટર્નના ફોર્મ તૈયાર કરવામાં આવશે.

(11:48 AM IST)