News of Friday, 6th February 2026
‘ઘુસણખોર પંડિત'ના ટાઈટલ પર FIR બાદ Netflix એ ટીઝર હટાવ્યું
નીરજ પાંડેએ કહ્યું કે આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે, કોઈની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી

લખનૌ, તા.૬: ફિલ્મ જગતમાં વિવાદ અને વિરોધ કોઈ નવી વાત નથી, પરંતુ મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ઘુષણખોર પંડિત એ રિલીઝ પહેલા જ ભારે હોબાળો મચાવી દીધો છે. ફિલ્મના ટાઈટલમાં પંડિત શબ્દની સાથે ઘુસખોર (ભ્રષ્ટ અથવા લાંચિયા) વિશેષણ વાપરવાને કારણે બ્રાહ્મણ સમુદાય અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR બાદ મામલો એટલો ગરમાયો કે નેટફિ્લક્સ અને ફિલ્મના નિર્માતાઓએ તાત્કાલિક ધોરણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રમોશનલ સામગ્રી અને ટીઝર હટાવી લેવાની ફરજ પડી છે. આ ફિલ્મે શૂટિંગના સમયથી જ ચર્ચાઓ જગાવી હતી, પણ કાયદાકીય ગૂંચવણો અને જનતાના આક્રોશને કારણે હવે મેકર્સ બેકફૂટ પર જોવા મળી રહ્યા છે.
ફિલ્મના લેખક નીરજ પાંડેએ આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, આ એક શુદ્ધ પોલીસ ડ્રામા છે અને તેમાં વપરાયેલું નામ માત્ર એક પાત્રનું કાલ્પનિક નામ છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ કયારેય કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયની છબીને કલંકિત કરવાનો રહ્યો નથી. નીરજ પાંડે, જેઓ હંમેશા ગંભીર અને વાસ્તવિક ફિલ્મો માટે જાણીતા છે, તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાની સામાજિક જવાબદારી સમજે છે અને આ વાર્તા માત્ર મનોરંજનના હેતુથી અને વ્યક્તિગત નૈતિકતાના સંઘર્ષ પર આધારિત છે. જોકે, લખનૌ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે શું ટાઈટલ પાછળ ખરેખર કોઈ દ્વેષપૂર્ણ ઈરાદો હતો કે કેમ.
બીજી તરફ, અભિનેતા મનોજ બાજપેયીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદનશીલતા દર્શાવતા મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે એક કલાકાર તરીકે તેઓ હંમેશા લોકોની લાગણીઓનું સન્માન કરે છે અને જો કોઈ ફિલ્મથી કોઈના દિલ દુભાયા હોય તો તે ચિંતાનો વિષય છે. મનોજે આ ફિલ્મને આત્મ-અનુભૂતિની સફર ગણાવી હતી અને સમજાવ્યું હતું કે તે માત્ર પટકથાને અનુસરી રહ્યા હતા. હાલ પૂરતું તો ટીઝર ગાયબ થઈ ગયું છે, પણ હવે જોવાનું એ રહેશે કે શું ફિલ્મનું નામ બદલવામાં આવશે કે કેમ. બોલીવુડમાં ચાલી રહેલી આ ટાઈટલ વોર વચ્ચે દર્શકો હવે એ જાણવા આતુર છે કે આ વિવાદ ફિલ્મની રિલીઝ પર કેટલી મોટી અસર પાડે છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
