News of Friday, 6th February 2026
અમેરિકાના 'ડ્રીમ' પર ઠંડુ પાણી: વર્ષ 2025માં 3,800 થી વધુ ભારતીયોને દેશનિકાલ કરાયા
ગેરકાયદેસર એજન્ટોના ચુંગાલમાં ફસાયેલા હજારો યુવાનો પર એક્શન; રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી, તા. 6: અમેરિકા જઈને ડોલર કમાવવાનું સપનું જોતા ભારતીય યુવાનો માટે વર્ષ 2025 મુશ્કેલીઓ ભરેલું સાબિત થયું છે. કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ગેરકાયદેસર વસવાટ અને અન્ય કારણોસર 3,800 થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ (ડિપોર્ટ) કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાના પ્રશ્નના જવાબમાં આ વિગતો રજૂ કરી હતી.
સરકારી આંકડા મુજબ, ડિસેમ્બર 2025 ના મધ્ય સુધીમાં વોશિંગ્ટન દ્વારા 3,414 ભારતીયોને પરત મોકલી દેવાયા હતા. અમેરિકાના વિવિધ શહેરોમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ મુજબના ડેટા પર નજર કરીએ તો, સૌથી વધુ હ્યુસ્ટનથી 234 લોકોને ડિપોર્ટ કરાયા હતા. આ સિવાય સાન ફ્રાન્સિસ્કો (49), ન્યુ યોર્ક (47), એટલાન્ટા (31) અને સિએટલ (31) થી પણ ભારતીયોને સ્વદેશ ભેગા કરી દેવામાં આવ્યા છે.
માનવીય અભિગમ અને મહિલા-બાળકોની સુરક્ષા
દેશનિકાલની આ પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકો સાથે માનવીય વ્યવહાર થાય તે માટે ભારત સરકાર સતત અમેરિકી સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર લગાવવામાં આવતા નિયંત્રણો અંગે ભારતે પોતાની ચિંતા નોંધાવી છે. જે લોકો ભારત પરત ફર્યા છે તેમની જુબાનીના આધારે ગેરકાયદેસર ભરતી એજન્ટો અને માનવ તસ્કરી કરતા સિન્ડિકેટ સામે તપાસનો ગાળિયો કસવામાં આવ્યો છે.
ગેરકાયદે એજન્ટો સામે લાલ આંખ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ માન્ય લાયસન્સ વગર કોઈ પણ એજન્સી ભરતી કરી શકે નહીં. અત્યાર સુધીમાં 'eMigrate' પોર્ટલ પર 3,505 બિનનોંધાયેલ અને શંકાસ્પદ એજન્ટોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. વિદેશમાં નોકરીના નામે ચાલતા કૌભાંડોથી બચવા માટે સરકાર સોશિયલ મીડિયા અને પોર્ટલ દ્વારા સતત એડવાઈઝરી જારી કરી રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
