<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ઈરાનમાં સળગતી સ્થિતિ વચ્ચે 10,000 ભારતીયો સુરક્ષિત: કેન્દ્ર સરકારની ચાંપતી નજર

વિરોધ પ્રદર્શનમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી; તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં, એરસ્પેસ ખુલ્લી હોવાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ

નવી દિલ્હી, તા. 6: ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને અસ્થિરતા વચ્ચે ત્યાં વસતા હજારો ભારતીયોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, ઈરાનમાં હાલમાં અંદાજે 9,000 થી 10,000 ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે અને સદનસીબે હજુ સુધી કોઈ પણ ભારતીય ગુમ થયા કે માર્યા ગયા હોવાના અહેવાલ નથી.
તેહરાન ખાતેનું ભારતીય દૂતાવાસ ત્યાં રહેતા વિદ્યાર્થીઓ અને કામદારો સહિતના તમામ ભારતીયો સાથે સતત સંપર્કમાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઈરાની હવાઈ ક્ષેત્ર (Airspace) હજુ પણ ખુલ્લું છે અને કોમર્શિયલ ફ્લાઇટ્સ કાર્યરત હોવાથી સરકાર અત્યારે ભારતીયોને 'ફસાયેલા' ગણતી નથી. જે નાગરિકો ભારત પરત ફરવા માંગતા હોય તેઓ ઉપલબ્ધ વાણિજ્યિક વિમાની સેવાઓનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે પરત આવી શકે છે.
સરકારે અગમચેતીના ભાગરૂપે 5 જાન્યુઆરી અને 14 જાન્યુઆરીના રોજ ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી હતી. જેમાં ભારતીય નાગરિકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને ત્યાં રહેતા લોકોને અત્યંત સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, જૂન 2025માં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંધુ' બાદ હાલમાં કોઈ મોટા પાયે સ્થળાંતર (Evacuation) કરવાની જરૂરિયાત ઉભી થઈ નથી.
ભારત સરકાર ઈરાનમાં બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે રાજદ્વારી સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને વિદેશમાં વસતા ભારતીય સમુદાયના હિતોનું રક્ષણ કરી શકાય.

(4:01 PM IST)