<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

શિક્ષણ જગતમાં ભારતનો ડંકો: રૂબલ નાગીએ જીત્યું $1 મિલિયનનું 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ'

ઝૂંપડપટ્ટીના બાળકો માટે 800 થી વધુ કેન્દ્રો સ્થાપનાર ભારતીય શિક્ષિકાનું દુબઈમાં બહુમાન; ઇનામની રકમ વ્યાવસાયિક તાલીમ પાછળ ખર્ચશે

દુબઈ, તા. 6: ભારતની એક સામાન્ય શિક્ષિકા અને કલાકારની અસાધારણ મહેનતે આજે વિશ્વ મંચ પર દેશનું ગૌરવ વધાર્યું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો માટે 800થી વધુ શિક્ષણ કેન્દ્રો બનાવનાર રૂબલ નાગીને પ્રતિષ્ઠિત $1 મિલિયન (આશરે ₹8.3 કરોડ) ના 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ' થી નવાજવામાં આવ્યા છે. ગુરુવારે સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં આયોજિત 'વર્લ્ડ ગવર્નમેન્ટ્સ સમિટ' માં રૂબલ નાગીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
રૂબલ નાગી માત્ર પુસ્તકોથી જ નહીં, પરંતુ પોતાની અનોખી કલા દ્વારા પણ બાળકોને જ્ઞાન પીરસે છે. તેમના 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' દ્વારા તેમણે ઝૂંપડપટ્ટીની દીવાલો પર શૈક્ષણિક ભીંતચિત્રો (Murals) દોરીને વિજ્ઞાન, ગણિત અને ઇતિહાસ જેવા વિષયોને જીવંત કર્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકોને શિક્ષણના માળખામાં લાવવાનો છે જે ક્યારેય શાળાએ જઈ શક્યા નથી. આ અનોખા અભિગમે જ તેમને વિશ્વના ટોચના શિક્ષકોની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
વાર્કી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2015 થી આપવામાં આવતા આ ગ્લોબલ પ્રાઇઝના રૂબલ નાગી 10મા વિજેતા બન્યા છે. ઇનામમાં મળેલી અધધ રકમનો ઉપયોગ તેઓ ક્યાં કરશે તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક એવી સંસ્થા ઉભી કરવા માંગે છે જે જરૂરિયાતમંદ યુવાનોને તદ્દન મફત વ્યાવસાયિક તાલીમ પૂરી પાડી શકે. આનાથી ગરીબ બાળકો માત્ર અક્ષર જ્ઞાન જ નહીં, પણ રોજગારી મેળવવાની આવડત પણ શીખી શકશે.
ગ્લોબલ ટીચર પ્રાઇઝના ભૂતકાળના વિજેતાઓમાં કેન્યાના પાયસ ટાબીચી અને સાઉદીના મન્સૂર અલ-મન્સૂર જેવા દિગ્ગજ શિક્ષકોનો સમાવેશ થાય છે. રૂબલ નાગીની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય, તો કલા અને શિક્ષણના માધ્યમથી સમાજના અંતિમ છેડાના બાળક સુધી પણ પરિવર્તનનો પ્રકાશ પહોંચાડી શકાય છે.

(4:01 PM IST)