<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

જલંધરમાં ધોળેદહાડે લોહીની હોળી: AAP નેતા લકી ઓબેરોયની ગુરુદ્વારા બહાર ગોળી મારી હત્યા

માત્ર 10 સેકન્ડમાં ખેલાયો મોતનો ખેલ; સીસીટીવીમાં કેદ થઈ હુમલાખોરોની કાળી કરતૂત, પંજાબમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ

જલંધર, તા. 6: પંજાબના જલંધરમાં આજે સવારે ભક્તિના માહોલ વચ્ચે ગોળીબારના અવાજે આખા શહેરને હચમચાવી દીધું છે. શહેરના પોશ મોડેલ ટાઉન વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા સાહિબની બહાર આમ આદમી પાર્ટી (AAP) ના સક્રિય નેતા અને ફાઇનાન્સર લકી ઓબેરોય પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરી દીધી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં હુમલાખોરોની નિર્ભયતા સ્પષ્ટ દેખાય છે.
ઘાત લગાવીને બેઠા હતા હત્યારા
ઘટનાની વિગતો મુજબ, સવારે લગભગ 7:35 વાગ્યે જ્યારે લકી ઓબેરોય ગુરુદ્વારામાં માથું ટેકવીને બહાર આવ્યા અને પોતાની મહિન્દ્રા થાર એસયુવીમાં બેસવા ગયા, ત્યારે જ કાળી હૂડી (ટોપીવાળું જેકેટ) પહેરેલો એક યુવક તેમની કાર તરફ ધસી આવ્યો હતો. હુમલાખોરે લકી ઓબેરોય કારમાં વ્યવસ્થિત બેસે અને ભાગી ન શકે તેની રાહ જોઈ અને અત્યંત નજીકથી ગોળીઓ વરસાવી દીધી હતી. હુમલા બાદ શૂટર ગલીમાં ઉભેલા તેના સાથીના સ્કૂટર પર બેસીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયો હતો.
હોસ્પિટલમાં દમ તોડ્યો
ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા ઓબેરોયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. લકી ઓબેરોય ફાઇનાન્સ અને પ્રોપર્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમના પત્ની સિમરજોત કૌરે AAPની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. તેઓ જલંધર કેન્ટના પાર્ટી પ્રભારી રાજવિંદર થિયારાના અત્યંત નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જૂની અદાવત કે વ્યવસાયિક દુશ્મનીનો મામલો હોવાનું જણાય છે. જોકે, ધોળેદહાડે અને ભીડભાડવાળા વિસ્તારમાં થયેલા આ હુમલાએ પંજાબની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

(4:03 PM IST)