News of Friday, 6th February 2026
પ્રશાંત કિશોરની 'જન સુરાજ' ને સુપ્રીમ કોર્ટનો જોરદાર ફટકો: "લોકપ્રિયતા માટે ન્યાયતંત્રનો ઉપયોગ ન કરો"
બિહાર ચૂંટણી રદ કરવાની અરજી ફગાવતા સીજીઆઈની કડક ટિપ્પણી; "જનતાએ તમને નકાર્યા છે, હવે હાઈકોર્ટ જાવ"

નવી દિલ્હી, તા. 6: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામોને પડકારતી પ્રશાંત કિશોરની 'જન સુરાજ પાર્ટી' (JSP) ને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ઉલટું, દેશની સર્વોચ્ચ અદાલતે પાર્ટીને આકરી ફટકાર લગાવતા તેની અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે રાજકીય પક્ષના હેતુઓ સામે સવાલ ઉઠાવ્યા હતા.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કડક શબ્દોમાં પૂછ્યું હતું કે, "તમારા રાજકીય પક્ષને કેટલા મત મળ્યા? જનતા તમને નકારે છે અને પછી તમે લોકપ્રિયતા મેળવવા માટે ન્યાયિક મંચનો ઉપયોગ કરો છો." કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ એક રાજકીય પક્ષના કહેવા પર આખા રાજ્યની ચૂંટણી પ્રક્રિયા અંગે આવા સર્વગ્રાહી નિર્દેશો આપી શકાય નહીં. બેન્ચે જન સુરાજ પાર્ટીને આ મામલે પટના હાઈકોર્ટમાં જવા સૂચન કર્યું છે.
શું હતો સમગ્ર વિવાદ?
જન સુરાજ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ચૂંટણી સમયપત્રક જાહેર થયા બાદ બિહાર સરકારે 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' હેઠળ લાખો મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પાર્ટીનો આરોપ હતો કે આ આદર્શ આચારસંહિતા (MCC) નું સરેઆમ ઉલ્લંઘન છે અને મતદારોને પ્રભાવિત કરવા માટે અંદાજે 15,600 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેને 'ભ્રષ્ટ પ્રથા' ગણાવીને જન સુરાજે નવી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.
ચૂંટણીમાં જન સુરાજનો દેખાવ
નોંધનીય છે કે, 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધને 202 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી અને તેના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. કોર્ટે આ નબળા દેખાવને ટાંકીને જ પાર્ટીને લોકશાહીના મેદાનમાં લડવાની સલાહ આપી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
