<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

શેરડીના પાકને વેધકોના ઉપદ્રવથી બચાવવા નવસારી કૃષિ યુનિવર્સિટી સજ્જ : ખેડૂતો માટે સંકલિત વ્યવસ્થાપનની વ્યાપક માર્ગદર્શિકા જાહેર

ડૂંખ, ટોચ અને આંતરગાંઠ વેધક સામે ટ્રાયકોકાર્ડ જેવા જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ : પાકના રક્ષણ સાથે ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન

નવસારી, તા. 6 ફેબ્રુઆરી : દક્ષિણ ગુજરાતના મુખ્ય રોકડિયા પાક એવા શેરડીમાં વેધકોના કારણે થતા આર્થિક નુકસાનને અટકાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. શેરડીના પાકમાં ખાસ કરીને ડૂંખ વેધક, ટોચ વેધક, મૂળ વેધક અને આંતરગાંઠ વેધક જેવી જીવાતો પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર માઠી અસર કરે છે. આ જીવાતોના અસરકારક અને સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ કયા પગલાં ભરવા તે અંગે યુનિવર્સિટીએ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
ખેતી કાર્યોમાં રાખવાની તકેદારી:
યુનિવર્સિટીની યાદી મુજબ, જીવાતોના વિકાસને અટકાવવા ખેતરમાંથી વધારાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. ખેડૂતોએ શેરડીનો એકથી વધુ વખત બડઘા પાક લેવાનું ટાળવું જોઈએ અને હંમેશા જીવાતમુક્ત તેમજ ગુણવત્તાયુક્ત બિયારણની જ પસંદગી કરવી જોઈએ. ખેતરમાં જીવાતોની હાજરી જાણવા માટે પ્રકાશપિંજર અને ફેરોમોન ટ્રેપ મૂકવા હિતાવહ છે. આ ઉપરાંત, વેધકોના ઈંડાના સમૂહો દેખાય તો તેનો નાશ કરવો અથવા પરજીવીઓને બચાવવા માટે વાંસના બુસ્ટરનો ઉપયોગ કરવો જોઈએ.
ટ્રાયકોકાર્ડનો જૈવિક પ્રયોગ:
વેધકોના નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિ સૌથી અસરકારક માનવામાં આવે છે. નવસારી કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવતા ‘ટ્રાયકોકાર્ડ’ (ટ્રાયકોગામા પરજીવી) વેધકોના ઈંડાનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. હેક્ટર દીઠ ૨ થી ૩ ટ્રાયકોકાર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ કાર્ડના આઠ ભાગ કરી તેને ૧૫ × ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ સ્ટેપલ કરવા જોઈએ. આ પ્રક્રિયા દર ૧૫ દિવસના અંતરે સવાર અથવા સાંજના સમયે કરવી અને આ દરમિયાન કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો.
રાસાયણિક નિયંત્રણની ભલામણ:
જો જીવાતનો ઉપદ્રવ વધુ જણાય અને રાસાયણિક દવાની જરૂરિયાત ઊભી થાય, તો ફિપ્રોનીલ ૦.૩૦ ટકા જીઆર (૩૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦ ટકા જીઆર (૧૮.૭૫ કિ.ગ્રા.) પ્રમાણે રોપણીના એક મહિના બાદ અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવાની સલાહ અપાઈ છે. દવાનો ઉપયોગ કરતી વખતે લેબલ પરની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(4:31 PM IST)