<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને મમતા સરકાર સામસામે : સુપ્રીમ કોર્ટમાં ECએ એફિડેવિટ કરી મુખ્યમંત્રી પર લગાવ્યા ઉશ્કેરણીજનક ભાષણોના ગંભીર આક્ષેપ

મતદાર યાદી સુધારણા (SIR) માં અવરોધ ઉભો કરવા અધિકારીઓને ધમકી અને ઓફિસમાં તોડફોડ : બંગાળના CEO ને દેશમાં પ્રથમવાર અપાઈ ‘Y+’ સુરક્ષા : મમતા બેનર્જી લોકોમાં ભય ફેલાવી કાયદો હાથમાં લેવા ઉકસાવતા હોવાનો પંચનો દાવો

નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સઘન સુધારણા (Special Intensive Revision - SIR) ની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ પર થઈ રહેલા હુમલા અને રાજ્ય મશીનરીની નિષ્ક્રિયતાને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું છે. ભારતીય ચૂંટણી પંચે (ECI) આક્ષેપ કર્યો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભય ફેલાવનારા અને ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યા છે, જેના કારણે ચૂંટણી અધિકારીઓમાં ડરનો માહોલ છે અને તેઓ કામગીરીમાંથી ખસી જવાની માંગ કરી રહ્યા છે.
ચૂંટણી અધિકારીઓને ધમકી અને તોડફોડની ઘટનાઓ:
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે ૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ એક ટોળાએ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની ઓફિસમાં તોડફોડ કરી હતી અને અધિકારીઓને બહારથી તાળા મારી દઈ ફરજ બજાવતા અટકાવ્યા હતા. આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. આ ઉપરાંત ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૭૦૦ લોકોના ટોળાએ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની કચેરી પર હુમલો કરી તોડફોડ કરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પશ્ચિમ બંગાળના CEO દેશના એકમાત્ર એવા ચૂંટણી અધિકારી છે જેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘Y+’ કેટેગરીની સુરક્ષા આપવી પડી છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓના વિવાદાસ્પદ નિવેદનો:
એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના એક મંત્રીએ "ચૂંટણી પંચના પગ તોડી નાખવાની" ધમકી આપી હતી, જ્યારે એક ધારાસભ્યએ કહ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા એ "અગ્નિ સાથે રમત" કરવા સમાન છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં SIR પ્રક્રિયા વિશે ખોટી માહિતી ફેલાવી લોકોને ઉકસાવ્યા હોવાનો પંચે દાવો કર્યો છે. વધુમાં, મુખ્યમંત્રીએ ભાષણમાં એક માઈક્રો-ઓબ્ઝર્વરનું નામ લઈને તેને ટાર્ગેટ બનાવતા નવ અધિકારીઓએ જીવના જોખમે કામગીરીમાંથી હટી જવા લેખિત રજૂઆત કરી છે.
૫૮ લાખ શંકાસ્પદ મતદારો અને નોટિસની પ્રક્રિયા:
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રાજ્યમાં ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ મુજબ અંદાજે ૫૮ લાખ મતદારો એવા છે જેઓ કાં તો મૃત્યુ પામ્યા છે, અન્ય સ્થળે રહેવા ગયા છે અથવા ગેરહાજર છે. આ અંગે સત્યતા ચકાસવા માટે ૧.૫૧ કરોડ નોટિસો ઈશ્યુ કરવામાં આવી રહી છે. આવા સમયે રાજ્ય સરકારનો સહકાર અનિવાર્ય છે, પરંતુ તેના બદલે અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:
સનાતની સંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે ચીફ જસ્ટિસ સૂર્યા કાંતની બેન્ચ સુનાવણી કરશે. આ અરજીમાં મતદાર યાદીના પ્રકાશન સુધી રાજ્યના પોલીસ અધિકારીઓને ચૂંટણી પંચ હેઠળ મૂકવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, મમતા બેનર્જીએ ૨૦૨૫ની જૂની યાદીના આધારે જ આગામી ચૂંટણી યોજવા અરજી કરી છે, જેના પર કોર્ટે પંચનો જવાબ માંગ્યો છે.

(4:36 PM IST)