<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સુપરસ્ટાર વિજયને મદ્રાસ હાઈકોર્ટનો મોટો ફટકો: ₹1.50 કરોડનો દંડ ભરવો જ પડશે

ફિલ્મ 'પુલી' માટે મળેલી ₹15 કરોડની આવક છુપાવવાનો આરોપ; આવકવેરા વિભાગના નિર્ણયને કોર્ટે રાખ્યો માન્ય

ચેન્નાઈ, તા. 6: દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને રાજકારણમાં પગ મૂકનાર વિજય (થલપતિ વિજય) ફરી એકવાર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા વિભાગ દ્વારા લાદવામાં આવેલા ₹1.50 કરોડના દંડને યોગ્ય ઠેરવ્યો છે. અભિનેતાએ આ દંડ વિરુદ્ધ અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દેતા હવે વિજયે આ માતબર રકમ ચૂકવવી પડશે.
શું હતો આખો વિવાદ?
આ મામલો વર્ષ 2016-17ના આવકવેરા રિટર્ન સાથે જોડાયેલો છે. તપાસ દરમિયાન આવકવેરા વિભાગને જાણવા મળ્યું હતું કે વિજયે પોતાની સાચી સંપત્તિ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને, વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુલી' માં કામ કરવા બદલ તેમને મળેલી ₹15 કરોડની આવકની વિગતો તેમણે રિટર્નમાં દર્શાવી ન હતી. આ ગેરરીતિ બદલ વિભાગે 2022માં તેમના પર ₹1.50 કરોડનો દંડ ફટકાર્યો હતો.
ટેકનિકલ દલીલો ન ચાલી
વિજયે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આવકવેરા વિભાગનો આ આદેશ સમય મર્યાદા બાદ એટલે કે મોડો જારી કરવામાં આવ્યો છે, તેથી તેને રદ કરવો જોઈએ. અગાઉ કોર્ટે આ દંડ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો, પરંતુ અંતિમ સુનાવણીમાં જસ્ટિસ સેન્થિલકુમાર રામામૂર્તિએ તમામ દલીલો નકારી કાઢી હતી અને વિભાગના દંડના આદેશને યથાવત રાખ્યો હતો.
કરુર ભાગદોડ કેસમાં પણ સીબીઆઈની ભીંસ
માત્ર ટેક્સ વિવાદ જ નહીં, વિજય હાલમાં 'કરુર ભાગદોડ' મામલે પણ સીબીઆઈની તપાસનો સામનો કરી રહ્યા છે. આરોપ છે કે એક કાર્યક્રમમાં વિજય મોડા આવવાને કારણે ભીડ બેકાબૂ બની હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે સીબીઆઈ તેમની બે વાર પૂછપરછ કરી ચૂકી છે. એક તરફ વિજય પોતાની નવી રાજકીય પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કાયદાકીય વિવાદો તેમની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે.

(5:02 PM IST)