<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ઇસ્લામાબાદ શિયા મસ્જિદ બહાર આત્મઘાતી વિસ્ફોટમાં લાશોના ઢગલા : 70ના મોત :250ને ઇજા: ચારેકોર ચીસ અને આક્રંદ

પાકિસ્તાનની રાજધાનીમાં સુરક્ષાના તમામ દાવાઓ વચ્ચે આતંકવાદીઓએ નિર્દોષ નમાઝીઓને નિશાન બનાવ્યા :લોહીથી ખરડાયેલી ગલીઓ અને હોસ્પિટલોમાં ઘાયલોની કતાર વચ્ચે ઇસ્લામાબાદમાં ઇમરજન્સી જાહેર કરાઈ

 ઇસ્લામાબાદ : ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં અચાનક ચીસો અને ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે સેંકડો શ્રદ્ધાળુઓ શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે મસ્જિદની બહાર એક શક્તિશાળી વિસ્ફોટ થયો, જેણે આખા વિસ્તારને હચમચાવી દીધો. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 70થી વધુ  લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૬૯થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઇમારતોના કાચ ફૂટી ગયા હતા અને સ્થળ પર ક્ષત-વિક્ષત મૃતદેહો અને ધાર્મિક પુસ્તકો વેરવિખેર જોવા મળ્યા હતા, જે આતંકની ભયાનકતાની સાક્ષી પૂરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ સુરક્ષા દળો અને બચાવ ટીમોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઇસ્લામાબાદની તમામ મુખ્ય હોસ્પિટલોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસન હાલમાં આ હુમલાની પદ્ધતિની તપાસ કરી રહ્યું છે, જેમાં આત્મઘાતી હુમલાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે જેથી આ કાવતરા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ થઈ શકે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાને 'માનવતા વિરુદ્ધનો ગુનો' ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી છે અને યુવાનોને ઘાયલો માટે તાત્કાલિક રક્તદાન કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી શિયા સમુદાય અને ધાર્મિક સ્થળો પર હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. નવેમ્બર ૨૦૨૫માં કોર્ટ સંકુલ બહાર થયેલા વિસ્ફોટની યાદો હજુ તાજી છે ત્યાં જ આ બીજા મોટા હુમલાએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઇમામ બારગાહ, જે શિયા મુસ્લિમો માટે આસ્થા અને શોકનું કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં થયેલા આ હુમલાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડરનો માહોલ છે. હાલમાં કોઈ સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ભૂતકાળની ઘટનાઓને જોતા જમાત-ઉલ-અહરાર જેવી આતંકી ટોળકીઓ પર શંકાની સોય સેવાઈ રહી છે.

(8:23 PM IST)