News of Friday, 6th February 2026
હિમંત બિસ્વા સરમાનો ‘એટોમ બોમ્બ’: “ગૌરવ ગોગોઈના પરિવારના પાકિસ્તાની બેંકોમાં ખાતા છે, 8 ફેબ્રુઆરીએ કરીશ પર્દાફાશ”
ભાજપના કાર્યક્રમમાં અસમના મુખ્યમંત્રીનો સનસનીખેજ દાવો; કોંગ્રેસના દિગ્ગજ નેતાના પરિવાર પર વિદેશી કનેક્શનનો આરોપ લગાવી ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી: અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પોતાના આક્રમક અંદાજ અને કોંગ્રેસ પરના આકરા પ્રહારો માટે જાણીતા છે. ગુરુવારે તેમણે એક ડગલું આગળ વધીને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમના પરિવાર પર પાકિસ્તાન સાથેના નાણાકીય કનેક્શનનો ગંભીર આરોપ લગાવ્યો છે. સરમાએ દાવો કર્યો છે કે ગોગોઈ પરિવારના બેંક ખાતા પાકિસ્તાનની બેંકોમાં પણ કાર્યરત છે.
ભાજપના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની પાસે આ બાબતના પુરાવા છે અને તેઓ આગામી 8 ફેબ્રુઆરીના રોજ આ તમામ વિગતો જાહેર જનતા સામે ખુલ્લી પાડશે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, અસમ પ્રદેશ કોંગ્રેસ અને ગોગોઈ પરિવારે આ બાબતે જવાબ આપવો પડશે. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આટલા ગંભીર આક્ષેપો છતાં હજુ સુધી ગૌરવ ગોગોઈ કે કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગૌરવ ગોગોઈ અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર છે અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થાન ધરાવે છે. હિમંત બિસ્વા સરમાનો આ દાવો જો સાચો સાબિત થાય, તો કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે સરમા અને ગોગોઈ સામસામે આવ્યા હોય. અગાઉ પણ ભ્રષ્ટાચાર અને વિકાસના મુદ્દે બંને વચ્ચે સોશિયલ મીડિયા અને સભાઓમાં તીખી તકરાર જોવા મળી છે. જોકે, આ વખતે 'પાકિસ્તાન કનેક્શન'ના આરોપે આ લડાઈને વધુ ગંભીર બનાવી દીધી છે. હવે સૌની નજર 8 ફેબ્રુઆરી પર ટકેલી છે કે મુખ્યમંત્રી કેવા પુરાવા રજૂ કરે છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
