<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

તંત્રના ‘મોતના ખાડા’એ લીધો માસૂમ બાઈકરનો જીવ: દિલ્હી સરકાર એક્શનમાં, ત્રણ ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ

જનકપુરીમાં 25 વર્ષીય કમલનું કરુણ મોત; મંત્રી પ્રવેશ વર્માએ રાત્રે જ લીધી મુલાકાત, દોષિત કંપની સામે પણ થશે કડક કાર્યવાહી

નવી દિલ્હી:રાજધાની દિલ્હીના જનકપુરી વિસ્તારમાં વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. દિલ્હી જલ બોર્ડ દ્વારા પાઇપલાઇનના કામ માટે ખોદવામાં આવેલા ઊંડા અને અસુરક્ષિત ખાડામાં બાઇક સાથે ખાબકતા 25 વર્ષીય કમલનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને જોતા દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હીના મંત્રી પ્રવેશ વર્મા મોડી રાત્રે જ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તત્કાલ અસરથી દિલ્હી જલ બોર્ડના ત્રણ અધિકારીઓ—એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રસ્તા પર ત્રણ મહિનાથી કામ ચાલતું હોવા છતાં સુરક્ષાના પૂરતા માપદંડો કેમ નહોતા, તેની તપાસ કરવામાં આવશે.
સરકારે આ સમગ્ર મામલે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે, જે 24 કલાકની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. મંત્રી આશિષ સૂદે પણ ખાતરી આપી છે કે આ અકસ્માત માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ કે એજન્સીને બક્ષવામાં આવશે નહીં. જે ખાનગી કંપનીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો, તેની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
મૃતક કમલ રોહિણી સ્થિત તેની ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો. પરિવારનો લાડકવાયો પુત્ર વહીવટીતંત્રની બેદરકારીનો ભોગ બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સરકારે પીડિત પરિવારને આર્થિક વળતર આપવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે રસ્તાઓ પર કડક સુરક્ષા ઓડિટ કરાવવાની જાહેરાત કરી છે.
શહેરમાં વિકાસના નામે થતા ખોદકામ જ્યારે લોકોના જીવ લેવા માંડે, ત્યારે જવાબદારી કોની? તે પ્રશ્ન અત્યારે દિલ્હીની જનતા ઉઠાવી રહી છે.

(7:53 PM IST)