<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે એસ. જયશંકરની ખાતરી: “દરેક ભારતીય સુરક્ષિત છે, સરકારની બાજ નજર છે”

ઈરાનમાં રહેલા 10,000 ભારતીયો માટે વિદેશ મંત્રાલયે તૈયાર કર્યો ખાસ પ્લાન; હાલ સ્થળાંતરની જરૂર નથી, પણ મુસાફરી ટાળવા અપાઈ સલાહ

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે અને ઈરાન પર લશ્કરી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં દેશને ખાતરી આપી છે કે ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને સરકાર ત્યાંની પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે.
સરકારી આંકડા મુજબ, ઈરાનમાં હાલમાં અંદાજે 9,000 થી 10,000 ભારતીય નાગરિકો છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આઈટી કામદારો, યાત્રાળુઓ, વેપારીઓ અને ખલાસીઓનો સમાવેશ થાય છે. તેહરાનમાં આવેલું ભારતીય દૂતાવાસ આ તમામ લોકો સાથે સતત સંપર્કમાં છે. એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે સરકાર ખાલી બેસી નથી, પરંતુ રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
: વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈરાનનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું છે અને ભારત સહિત અન્ય દેશો સાથેની નિયમિત ફ્લાઇટ્સ કાર્યરત છે. તેથી અત્યારે કોઈ ખાસ બચાવ મિશનની જરૂર જણાતી નથી. જે ભારતીયો વતન પરત ફરવા માંગતા હોય તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સનો ઉપયોગ કરીને પરત આવી શકે છે. સરકારે ગભરાટ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.
 ભારત સરકારે 5 અને 14 જાન્યુઆરીએ બે વાર ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતીયોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે. એસ. જયશંકરે પોતે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત કરી ભારતીયોની સુરક્ષા અંગે ચર્ચા કરી છે. તેહરાન સ્થિત દૂતાવાસે ભારતીયોને દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવા અને જાગૃત રહેવા જણાવ્યું છે.
ભૂતકાળમાં 'ઓપરેશન ગંગા' અને 'ઓપરેશન કાવેરી' જેવા મિશન દ્વારા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢનાર મોદી સરકાર ફરી એકવાર કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું જણાય છે.

(7:56 PM IST)