<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પાકિસ્તાન ક્રિકેટ પર કુદરત અને રાજનીતિનો બેવડો પ્રહાર: મેદાનમાં ઉતર્યા વિના જ વર્લ્ડ કપમાંથી બહાર થવાનું જોખમ

ભારત સામેના બહિષ્કારના નિર્ણય વચ્ચે કોલંબોના વરસાદે પાકિસ્તાની ટીમની ઊંઘ ઉડાવી

કોલંબો :  ૨૦૨૬ના મેન્સ T20 વર્લ્ડ કપનો પ્રારંભ ૭ ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં થવા જઈ રહ્યો છે, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને પહેલેથી જ વિવાદ છેડ્યો છે, ત્યારે હવે કુદરત પણ પાકિસ્તાનની વિરુદ્ધ હોય તેવું લાગે છે. શનિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે પાકિસ્તાનની પ્રથમ મેચ રમાવાની છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ બપોરે ૧૨ વાગ્યાથી ભારે વરસાદની શક્યતા છે. જો આ મેચ ધોવાઈ જાય, તો પાકિસ્તાનને માત્ર ૧ પોઈન્ટથી સંતોષ માનવો પડશે, જે તેમની સુપર-૮ની સફર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનની મુશ્કેલીઓ અહીં જ પૂરી થતી નથી. ૧૦ ફેબ્રુઆરીએ કોલંબોમાં જ યુએસએ સામે તેમની બીજી મેચ છે, જ્યાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગયા વર્લ્ડ કપમાં યુએસએ સામે શરમજનક હારનો સામનો કરનાર પાકિસ્તાન માટે જો આ મેચ પણ વરસાદને કારણે રદ થાય, તો તેમના ખાતામાં માત્ર ૨ પોઈન્ટ જ જમા થશે. બીજી તરફ, ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાના નિર્ણયને કારણે પાકિસ્તાન પહેલેથી જ ૨ મહત્વના પોઈન્ટ ગુમાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, સલમાન આગાની ટીમે મેદાન પર પરસેવો પાડ્યા વિના જ પોઈન્ટ ટેબલમાં નીચે ધકેલાઈ જવાનું જોખમ ઊભું થયું છે.

જો ગ્રુપ સ્ટેજની શરૂઆતની બે મેચો વરસાદમાં ધોવાઈ જાય અને ભારત સામેની મેચ ન રમાય, તો પાકિસ્તાન પાસે માત્ર નામિબિયા સામેની મેચ બચશે. નામિબિયાને હરાવીને પણ પાકિસ્તાન વધુમાં વધુ ૪ પોઈન્ટ સુધી પહોંચી શકશે, જે કદાચ ક્વોલિફાય થવા માટે પૂરતા નહીં હોય. કારણ કે યુએસએ અને નેધરલેન્ડ જેવી ટીમો ભારતની ધરતી પર પોતાની મેચો રમીને વધુ પોઈન્ટ મેળવી શકે છે. પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપ 'બહાર રમીને અંદર આવવા'ને બદલે 'રમ્યા વિના જ બહાર જવા' જેવો સાબિત થઈ રહ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બનશે કે કોઈ મોટી ટીમ ખરાબ ફોર્મને કારણે નહીં, પણ હવામાન અને રાજકીય નિર્ણયોને કારણે ટુર્નામેન્ટમાંથી વહેલી વિદાય લેશે.

(8:20 PM IST)