<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

UPI વાપરનારાઓ માટે 'જલસા': ખિસ્સામાંથી એક રૂપિયો પણ નહીં કપાય : સરકારે બેંકોની 'ફી' વસૂલવાની માંગ ફગાવી!

મોબાઈલથી પેમેન્ટ કરવું હવે પહેલા જેવું જ મફત રહેશે; બજેટમાં ₹2,000 કરોડની સબસિડી ફાળવી ફિનટેક કંપનીઓના 'ચાર્જ' વસૂલવાના સપના પર ફેરવ્યું પાણી

નવી દિલ્હી:  ડિજિટલ ઈન્ડિયાના ક્રાંતિકારી હથિયાર એવા UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પર ટ્રાન્ઝેક્શન ફી લાગશે તેવી અફવાઓ પર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતા અને નાના વેપારીઓ માટે UPI સેવા સંપૂર્ણપણે મફત રહેશે. તાજેતરના કેન્દ્રીય બજેટ 2026-27 માં સરકારે ₹2,000 કરોડની સંગીન સબસિડી આપી છે, જેનો ઉપયોગ બેંકો અને પેમેન્ટ ગેટવેના નાણાકીય બોજને હળવો કરવા માટે કરવામાં આવશે. આ નિર્ણયથી એવા કરોડો ભારતીયોને મોટી રાહત મળી છે જેઓ દરરોજ ચાની લારીથી લઈને મોટા શોરૂમ સુધી QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે છે.

જોકે, સરકારના આ 'ફ્રી' મોડેલથી Paytm, PhonePe અને મોટી બેંકોમાં નિરાશા જોવા મળી રહી છે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એવી માંગ હતી કે ₹10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા મોટા વેપારીઓ પર 0.2% થી 0.3% જેટલો ચાર્જ વસૂલવાની મંજૂરી આપવી જોઈએ. બેંકોનું કહેવું છે કે દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પાછળ તેમને સરેરાશ બે રૂપિયાનો ખર્ચ થાય છે, અને સરકાર જે સબસિડી આપી રહી છે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને છેતરપિંડી રોકવા માટે અપૂરતી છે. તેમ છતાં, સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ડિજિટલ પેમેન્ટના વ્યાપને વધારવા માટે હાલમાં ગ્રાહકો પર કોઈ બોજ નાખવામાં આવશે નહીં.

UPI ની લોકપ્રિયતા અત્યારે આસમાને છે. જાન્યુઆરી 2026 માં જ ભારતમાં રેકોર્ડબ્રેક 2,170 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે, જેનું કુલ મૂલ્ય ₹28.33 લાખ કરોડ જેટલું અધધ થાય છે. ડેટા દર્શાવે છે કે 86% વ્યવહારો ₹500 થી ઓછી રકમના છે, જે સાબિત કરે છે કે નાના પેમેન્ટ્સ માટે UPI અનિવાર્ય બની ગયું છે. સરકાર ભલે અત્યારે ફી લાદવા તૈયાર નથી, પરંતુ RBI અને નાણા મંત્રાલય આગામી મહિનાઓમાં આ મુદ્દે ફરી સમીક્ષા કરી શકે છે. હાલ પૂરતું તો, તમે બેફિકર થઈને તમારો સ્માર્ટફોન સ્કેન કરી શકો છો, કારણ કે તમારા ખાતામાંથી વધારાનો કોઈ ચાર્જ કપાવાનો નથી.

(8:24 PM IST)