News of Friday, 6th February 2026
મેડિકલ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો 'સંજીવની' ચુકાદો: કોલેજ ટ્રાન્સફર પરનો પ્રતિબંધ રદ : NMC ને પડી જોરદાર ફટકાર!
નિયમો પુસ્તકોમાં સજાવટ માટે નથી હોતા..." - દૃષ્ટિહીન વિદ્યાર્થીની વેદના સાંભળી કોર્ટે મેડિકલ કમિશનની મનસ્વીતા ખતમ કરી: હવે શરતો સાથે કોલેજ બદલવાનો માર્ગ મોકળો: બાડમેરથી દિલ્હી સુધી ગુંજ્યો ન્યાયનો અવાજ

નવી દિલ્હી: મેડિકલનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત રાહતજનક સમાચાર આપ્યા છે. કોર્ટે નેશનલ મેડિકલ કમિશન (NMC) ના ૨૦૨૩ ના એ નિયમ પર હથોડો ચલાવ્યો છે, જે મેડિકલ વિદ્યાર્થીઓના એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો હતો. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે આ નિયમને 'ગેરબંધારણીય' અને 'મનસ્વી' ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે શિક્ષણમાં એકરૂપતા લાવવાના નામે વિદ્યાર્થીઓને તેમના વાજબી અધિકારોથી વંચિત રાખી શકાય નહીં.
આ સમગ્ર કાનૂની જંગની પાછળ ૪૦ ટકા દૃષ્ટિહીન એક મેડિકલ વિદ્યાર્થીની સંઘર્ષગાથા છે. આ વિદ્યાર્થીને રાજસ્થાનના બાડમેરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ તેની શારીરિક ક્ષમતા માટે અનુકૂળ નહોતું. જ્યારે તેણે દિલ્હી ટ્રાન્સફરની માંગ કરી, ત્યારે NMC એ નિયમોનો હવાલો આપીને હાથ ઊંચા કરી દીધા હતા. કોર્ટે આ વલણની આકરી ટીકા કરતા કહ્યું કે, વિદ્યાર્થીને ખબર હતી કે બાડમેર કેવું છે તેવી દલીલ કરવી એ તેના 'ઘા પર મીઠું ભભરાવવા' સમાન છે. કોર્ટે NMC ને ત્રણ અઠવાડિયામાં આ વિદ્યાર્થીના ટ્રાન્સફર પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે.
હાઈકોર્ટના આ આદેશ બાદ હવે NMC એ એક એવી નવી નીતિ બનાવવી પડશે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શરતો સાથે સ્થળાંતર (Migration) ની મંજૂરી આપે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો (PWD Act) માત્ર કાગળ પરની શોભા ન હોવા જોઈએ, તેનો અમલ થવો જોઈએ. આ ચુકાદો એવા અનેક વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યો છે જેઓ ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ કે વિકલાંગતાને કારણે પોતાની કોલેજ બદલવા ઈચ્છે છે પરંતુ કડક નિયમોને કારણે મજબૂર હતા. હવે મેડિકલ શિક્ષણમાં માનવીય અભિગમને કાયદાકીય પીઠબળ મળ્યું છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
